મોડાસાઃ આદિવાસીઓના ઉદ્ધારક ડેમનિયાજી 68 વર્ષની વયે 8 જૂને ગુરુ ચેતના સાથે એકાકાર થયા હતાં. આદિવાસી યુગ સેનાની ડેમનિયાજીના દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા હાલની સ્વાસ્થ્યની વિકટ પરિસ્થિતિ નિયમો અનુસાર સૌ પોતાના ઘરમાં રહી ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જોડાઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. જેમાં મોડાસા ક્ષેત્રના સાધકો, જિલ્લા પરિવાર, ગુજરાત તેમજ ડેમનિયાજીનો પરિવાર સહિત તેમનું પ્રભાવ ક્ષેત્ર તેમજ માતૃસંસ્થા શાંતિકુંજ, હરિદ્વારથી અનેક સૌ ઓનલાઈન જોડાઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ડેમનિયાજીએ મધ્યપ્રદેશમાં બડવાની નિમાડ-સાલીટાંડા કર્મભૂમિ બનાવી હતી. મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી આદિવાસીઓના ઉદ્ધાર કરવા, તેઓને સાચા રસ્તે પ્રેરિત કરવા, વ્યસનો-કુરિવાજોથી દૂર રહેવા અને સાથે સાથે ગાયત્રી મહામંત્રના સાધક બનાવી લાખો આદિવાસીઓના અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના ઉચ્ચ યુગ સેનાની-સાધક બનાવ્યા હતા. આવા મહાન પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યને મળવા જ્યારે તેઓ પ્રથમવાર શાંતિકુંજ, હરિદ્વાર ગયા ત્યારે ગુરુદેવે તેઓને ત્રેતાયુગના નિષાદરાજ કહીને ગળે લગાવ્યાં હતાં.
ગુરુદેવ સ્વયં પગપાળા ચાલી જ્યારે તેઓના ગામ શાલીટાંડા ગયા હતા, ત્યારે તેમના ઘરની રોટલીઓ પોતાના હાથથી ગ્રહણ કરી આશીર્વાદ આપ્યા હતાં. એવા આ આદિવાસી યુગ નિર્માણી સ્વભાવના ખૂબજ સરળ, સૌમ્ય, શાલીન અને વિનમ્ર વ્યક્તિત્વની સ્થૂળ શરીરની વિદાય તેમના પ્રભાવક્ષેત્ર મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના ગાયત્રી પરિવાર માટે પીડાદાયક બની રહી. જે યુગ નિર્માણ આંદોલન ચલાવવા સાચા અર્થમાં હીરો ખોઈ દીધો છે.
ડેમનિયાજી એક એવું પ્રભાવશાળી વ્યક્તિનું નામ હતું, તેઓ પારિવારિક ભાવનાથી સામાજિક સંમેલનો કરતા હતાં, પણ બોલતું હતું તેમનું વ્યક્તિત્વ. એમની જીવન શૈલીથી પ્રભાવિત થઈ લાખો આદિવાસીઓ એમની પ્રેરણાઓને શિરોધાર્ય કરી પોતાના જીવનને બદલવા સહજ જ તૈયાર થઈ જતા હતાં.
મોડાસા ક્ષેત્રના સાધકો, જિલ્લા પરિવાર, ગુજરાત તેમજ ડેમનિયાજીનો પરિવાર સહિત તેમનું પ્રભાવ ક્ષેત્ર તેમજ માતૃસંસ્થા શાંતિકુંજ, હરિદ્વારથી અનેક સૌ જોડાઈ ડેમનિયાજીને તથા મોડાસા ગાયત્રી પરિવારના નિષ્ઠાવાન જૂના પરિજન ભીખાભાઈ પંચાલ 14 જૂને ગુરુ ચેતના સાથે એકાકાર પામ્યા હોઈ આ બંન્ને દિવંગત આત્માઓને મોડાસા ગાયત્રી પરિવારના દશ કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે બેસી બાકી સૌ ઓનલાઈન જોડાઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઓનલાઈન ભાવનાત્મક સંચાલન અગ્રણી કાર્યકર્તા કિરીટભાઈ સોની તથા ટેક્નીકલ સંચાલન પ્રજ્ઞેશ કંસારાએ કર્યું હતું.