મોડાસા ગાયત્રી પરિવારે અગ્નિ સંસ્કારમાં વ્યવસ્થા માટે સવા લાખનું દાન આપ્યુ
અરવલ્લી : હાલમાં ચાલી રહેલા કોરોનાની મહામારીના કારણે મોતને ભેટેલા લોકોના અંતિમ સંસ્કાર કરવા માટે મોડાસા સ્મશાનમાં લાકડા તેમજ આર્થિક અછત વર્તાઈ રહી છે, ત્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારે સામાજિક સમરસતાની મિશાલ કાયમ કરી છે. મોડાસા ખાતે સ્મશાનમાં અગ્નિ સંસ્કારમાં વ્યવસ્થા માટે મોડાસા ગાયત્રી પરિવારે સવા લાખનું દાન આપ્યુ છે.
આ પણ વાંચો - મોડાસા નાગરિક બેન્ક તેમજ ગાયત્રી પરિવારે વડાપ્રધાન અને મુખ્યપ્રધાન રાહત ફંડમાં કર્યુ દાન
સોશિયલ મીડિયા ગૃપમાં મદદરૂપ થવા આહવાન કરવામાં આવ્યું
કોરોનાગ્રસ્ત દર્દીઓનો મૃત્યુઆંક વધવાના પગલે મોડાસા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર માટે લાકડાની ખુબ જરૂરિયાત સર્જાઇ છે. આવી પરિસ્થિતિમાં અંતિમ સંસ્કાર માટે મદદરૂપ થવા, ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસા દ્વારા સૌ પરિજનોના સંપર્ક માટે ચાલી રહેલા સોશિયલ મીડિયા ગૃપમાં આ માટે મદદરૂપ થવા આહવાન કરવામાં આવ્યું હતું. જેના થકી ગાયત્રી સાધકો દ્વારા ટૂકડે ટૂકડે દાનની રકમ એકત્રિત કરી રુપિયા એક લાખ પચ્ચીસ હજાર એક્ઠા કરવામાં આવ્યા હતા. આ રકમનો ચેક મોડાસા ખાતે સ્મશાનમાં વ્યવસ્થા સંચાલન કરી રહેલા મોડાસા મહાજન મંડળ ટ્રસ્ટને આર્થિક સહાય રુપે આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - લોકડાઉન: ઓનલાઈન પ્રશિક્ષણમાં સમયનો સદ-ઉપયોગ કરી રહ્યા છે ગાયત્રી ઉપાસકો
ગાયત્રી પરિવાર દ્વારા ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનેક સ્થાનોએ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે
આ અંગે જાણકારી આપતા મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના હરેશ કંસારાએ જણાવ્યું હતું કે, અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના મુખ્ય કેન્દ્ર શાંતિકુંજ, હરિદ્વાર સહિત દેશભરમાં જ્યાં પણ સંસ્થાનો પર સંભવ હોય, ત્યાં કોવિડ હૉસ્પિટલમાં તબદિલ કરવામાં આવે છે. તેમજ સમગ્ર દેશમાં આ મહામારી સામે ઝઝુમવા જ્યાં પણ સંભવ હોય, ત્યાં જે પ્રકારે થઈ શકે તેમ હોય તેવી સેવા, સહાય મદદરૂપ થવા ગાયત્રી પરિવાર દ્વારા હાલની વિકટ પરિસ્થિતિમાં માનવતાની સેવા કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. દેશ અને ગુજરાતમાં પણ અનેક સ્થાનોએ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. નોંધનીય છે કે, અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હંમેશા ઉપાસના, સાધના કે યજ્ઞ આયોજન જ નહીં, પરંતુ જનસેવાના કાર્યોમાં પણ હમેશાં પ્રયત્નશીલ રહે છે.
આ પણ વાંચો - મોડાસામાં ગાયત્રી યજ્ઞમાં વિશેષ આહુતિ સાથે અપાઈ વીર શહીદોને શ્રદ્ધાંજલિ