અરવલ્લી: જિલ્લા કક્ષાનો 71મો વન મહોત્સવ ભિલોડાના માંધરીની એકલવ્ય રેસીડેન્સીયલ સ્કૂલ ખાતે આદિજાતિ અને વન રાજ્યપ્રધાન રમણલાલ પાટકર તથા સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન સરદારસિંહ બારૈયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જ્યાં રોપાઓનું વાવેતર કરી તરૂરથનું પ્રસ્થાનન કરાવ્યું હતું.
અરવલ્લી જિલ્લાનો 71મો વન મહોત્સવ ભિલોડાના માંધરી ખાતે યોજાયો 71માં વનમહોત્સવને દિપ પ્રાગટ્ય કરી ખૂલ્લું મૂકતા જિલ્લા પ્રભારી અને વન તથા આદિજાતિ રાજય પ્રધાન રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર કનૈયાલાલ મુન્શીએ આ વનની વિરાસતને જાળવવાની પરંપરા શરૂ કરી હતી.
જેને રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યકક્ષાના વન મહોત્સવને રાજ્યના જિલ્લાઓમાં ઉજવવાની શરૂઆત કરી અને ઐતિહાસિક પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોએ વન મહોત્સવ ઉજવી જિલ્લાની વિરાસત ઉજાગર કરી હતી.
રાજ્યમાં 19 સાંસ્કૃતિક વન તેની સાક્ષી પુરે છે. વધુમાં પ્રધાનએ ઉમેર્યુ હતું કે, જળ, જંગલ અને જમીનના સંવર્ધનથી જ પ્રકૃતિનું રક્ષણ થઇ શકે છે. તે માટે વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરી હરીયાળા ગુજરાત બનાવવા સહભાગી થવા અપીલ કરી હતી.
અરવલ્લી જિલ્લાનો 71મો વન મહોત્સવ ભિલોડાના માંધરી ખાતે યોજાયો આ પ્રસંગે સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન સરદારસિંહ બારૈયાએ જણાવ્યું હતું કે, જનભાગીદારી દ્વારા શરૂ કરાયેેેલા વન મહોત્સવથી આજે રાજયના તમામ સ્થળે ઉજવણી કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરિયાની ખારાશને રોકવા ચેરના વૃક્ષો શ્રેષ્ઠ છે. ત્યારે સમગ્ર ભારતમાં ગુજરાતમાં સૌથી વધુ ચેરના જંગલોનું નિર્માણ કરી દરિયાની ખારાશ રોકવામાં અગ્રેસર રહ્યું છે.
અરવલ્લી જિલ્લાનો 71મો વન મહોત્સવ ભિલોડાના માંધરી ખાતે યોજાયો કાર્યક્રમમાં ઉપસ્થિત ભિલોડાના ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારાએ જણાવ્યું હતું કે, વન મહોત્સવની ઉજવણી સાથે વૃક્ષોની માવજત કરવી પણ એટલી જરૂરી છે. તો સાચા અર્થમાં વન મહોત્સવની ઉજવણી સાર્થક થશે. પ્રાસંગિક પ્રવચન કરતા અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક એન.એસ.યાદવે જણાવ્યું હતું કે, જૈવ વૈવિધ્ય જીવ સૃષ્ટીને જીવંત રાખવાનું કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, પર્યાવરણની અવગણનાથી અત્યારે આપણે જોખમ ભોગવી રહ્યા છીએ તો પર્યાવરણની જાળવણી જરૂરી હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. પ્રધાન તથા મહાનુભવો દ્વારા કોરોના પ્રતિરોધક ઔષધિય તરૂરથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું અને શાળાના પટાંગણમાં રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત તરૂપૂજન કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જયારે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યક્રમના સ્થળે ઉપસ્થિત થનારા મહેમાનોનું થર્મલ ગનથી શરીરનું તાપમાન, ઓક્સીમીટરથી શરીરમાં રહેલા ઓક્સિજનની માત્રાની તપાસ તેમજ હેન્ડ સેનેટાઇઝ કરવાની વ્યવસ્થા ઉભી કરાઇ હતી. તેમજ આયુર્વેદિક વિભાગ દ્વારા ઉકાળાનું પણ વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ ધામેલીયા જિલ્લા અગ્રણી રણવીરસિંહ ડાભી, નાયબ વન સંરક્ષક પી.પુરૂષોથમા તેમજ વનકર્મીઓ અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.