- ડુગરવાડાના મહિલા સરપંચને ડી.ડી.ઓએ કર્યા સસ્પેન્ડ
- સરપંચે વિકાસના કામમાં ગેરરીતિ કરી હોવાના આક્ષેપ
- સરપંચ પદેથી બરતરફ કરતા રાજકીય આલમમાં સોંપો
અરવલ્લી : જિલ્લાના મોડાસાના ડુગરવાડા ગામના સરપંચે વિકાસના કામમાં ગેરરીતિ કરી હોવાના આક્ષેપને લઇ ડી.ડી.ઓએ સસ્પેન્ડ કર્યા છે. જોકે, સરપંચનો દાવો છે જે પણ કાર્ય કરવામાં આવ્યું છે તે લોકોની સુખાકારી માટે જરૂરી હતું.
ડી.ડી.ઓએ કર્યા મહિલા સરપંચને સસ્પેન્ડ
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની ડુગરવાડા ગ્રામ પંચાયતમાં સરપંચ તેમજ સભ્યો દ્વારા સત્તાનો દુરૂપયોગ કરી કામ કરવામાં આવ્યા હોવાની તપાસ અરવલ્લી જિલ્લાના ડી.ડી.ઓ કરી રહ્યા હતા. તપાસમાં નાણાંકીય ગેરરીતિ થઇ હોવાનું ફલીત થયું હતું. જેમાં પૂર્વ મંજૂરી વિના કૂવો ઉંડો કરી રૂપિયા 1,42,000 ચૂકવી દેવામાં આવ્યા હતા. જેના પગલે અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનીલ ધામેલીયાએ મોડાસા તાલુકાની ડુગરવાડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ તેમજ અન્ય સદસ્યોને નોટિસ પાઠવી તેમને હોદ્દા ઉપરથી દુર કેમ ન કરવા તે અંગે ખુલાસો આપવા જણાવ્યું હતું. જેમાં યોગ્ય ખુલાસો કરવામાં નિષ્ફળ રહેતા, ડી.ડી.ઓએ શનિવારે મહિલા સરપંચ ગીતાબેન મહેશભાઇ ભરવાડને સત્તાનો દુરૂપયોગ અને ફરજોમાં બેદરકારી દાખવવા બદલ સરપંચપદેથી બરતરફ કરવામાં આવ્યા હતા.
બીજી બાજુ સરપંચ ન્યાયની માંગ કરી રહ્યા છે. સરપંચે દાવો કર્યો છે કે, ઉનાળાની ગરમીમાં ગામ લોકોને પાણીની તકલીફ પડી રહી હતી. જેથી ગામ લોકોની વારંવાર રજૂઆત બાદ કૂવો ઉંડા કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, તે વખતે લોકસભાની ચૂંટણીને લઇ આચારસંહિતા લાગુ હતી. તેથી વહીવટી મંજૂરી મળી ન હતી.