મોડાસા: સમગ્ર રાજ્યમાં કોરોના વાઇરસના સંક્રમણને લઇ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. એ સમયગાળા દરમિયાન નાના ભૂલકાઓની ચિંતા કરી આંગણવાડી કેન્દ્રો બંધ કરવામાં આવ્યા હતા.
જેના કારણે અનાજમાં બચત થઇ હતી. આ બચત થયેલા અનાજ-તેલના જથ્થાનો ઉપયોગ કરી આંગણવાડી કેન્દ્રના 3થી 6 વર્ષના બાળકોને સાપ્તાહિક સુખડી વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં અરવલ્લીના 34,922 બાળકોને સુખડીનું વિતરણ કરાયું છે.
![અરવલ્લીના 34 હજારથી વધુ ભૂલકાઓને સુખડીનું વિતરણ કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-01-children-sweet-photo1-gj10013jpeg_16062020165136_1606f_1592306496_1030.jpeg)
અરવલ્લી જિલ્લામાં કોરોના વાઇરસના પ્રભાવને કારણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારની 1450 આંગણવાડી કેન્દ્રો નાના ભૂલકાઓના આરોગ્યની તકેદારી માટે બંધ કરવામાં આવ્યા હતા. આ સમયે બાળકોને ગરમ નાસ્તાની અવેજીમાં બાલશક્તિ પેકૅટ આપવામાં આવ્યા હતા.
આ સાથે જ બાળકોને પુરક પોષણ જળવાઇ રહે તે માટે પૌષ્ટીક આહાર તરીકે બાળક દિઠ સપ્તાહમાં એક વાર એક કિલોગ્રામ સુખડીનું ઘરે-ઘરે વિતરણ કરવામાં આવી રહ્યુ છે.
જેમાં મોડાસાના 6119, માલપુરના 3938, ધનસુરાના 3281, બાયડના 6151, ભિલોડાના 7696 અને મેઘરજના 7737 મળી જિલ્લાના કુલ 34,922 ભૂલકાઓને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું છે.