સામાન્ય ખેડૂતની દીકરીએ યોગાની ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને મિસ યોગીનીનું બિરૂદ મેળવ્યું છે. કોઈ કોચ વિના ખેડૂત પિતાના માર્ગદર્શન હેઠળ પૂજાએ આ સિદ્ધી હાંસલ કરી છે. બાબા રામદેવની યોગ સાધનામાંથી પ્રેરણા લઈને પૂજાના પિતાએ દીકરીને યોગ ક્ષેત્રમાં આગળ વધવાનું પ્રોત્સાહન આપ્યું હતું. પિતાના આત્મવિશ્વાસ, પૂજાના અડગ મનોબળ અને ધગશના કારણે બાંગ્લાદેશના ઢાકા ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ અને બે સિલ્વર મેડલ મેળવ્યા હતા.
સાબરકાંઠાની રાજેન્દ્રનગર આર્ટસ કૉલેજમાં અભ્યાસ કરતી પૂજાએ પોતાની સફળતા અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, " યોગ એક તપસ્યા છે, એક જીવન મંત્ર છે. હું ધોરણ ચારમાં અભ્યાસ કરતી હતી, ત્યારથી પિતાએ ટીવી પર બાબા રામદેવના યોગથી અભિભૂત થઈને પૂજાને તાલીમ આપવાનું શરૂ કર્યુ હતું. ત્યારથી પૂજા યોગમાં આગળ વધવાના ધ્યેય સાથે રાત દિવસ મહેનત કરી રહી છે. તે જુદી-જુદી કક્ષાએ શાળા રમત, ખેલ મહાકુંભ, રાજ્ય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતો રમી ચૂકી છે.
પડછાયાની જેમ સાથે રહેનાર પિતા વિશે વાત કરતાં પૂજાએ કહ્યું હતું કે, તે અને તેના પિતા રોજ સવારે ચાર વાગે ઉઠે છે. તેમના માર્ગદર્શન હેઠળ રોજ બેથી ત્રણ કલાક યોગની પ્રેક્ટિસ કરે છે. અત્યાર સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પૂજાએ 64 મેડલ, 117 ટ્રોફી અને 186 પ્રમાણપત્રો અંકિત કર્યા છે. સૌપ્રથમ ચીનના શાંઘાઇમાં યોગ કોમ્પીટીશનમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને ત્યારબાદ હોંગકોંગ અને સેનઝેનમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
આમ, ફક્ત ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં યોગને વ્યાયામ અને રમત તરીકે સ્વીકૃતિ મળી છે. યોગ ભૂમિ ભારતના યુવાનોએ યોગ થકી વિશ્વફલક પર દેશનું ગૌરવ વધાર્યુ છે. જેમાં ભારતની દીકરીઓએ પણ મોખરાનું સ્થાન મેળવ્યું છે.