અરવલ્લીઃ કોરોનાના કેર કારણે છેલ્લા અઢી માસથી મોટા ભાગ ધંધા રોજગાર બંધ છે. ગામડાઓમાંથી સારા ભવિષ્યની આશાએ શહેરોમાં સ્થાઇ થયેલ લોકોએ હવે ગામડાઓ તરફ પલાયન કર્યુ છે. જોકે ગામડાઓ જોઇએ તેટલી રોજગારની તકો ઉપલ્બધ નથી. પરંતુ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના પ્રાંતવેલ ગામના સરપંચએ આ સમસ્યાનું નિવારણ લાવવાનો પ્રયાસ કર્યો છે. લોકડાઉનને કારણે જે લોકો બેરોજગાર બન્યા છે, એ તમામને રોજગારી આપવા માટે પોતાના ગ્રામપંચાયત વિસ્તારમાં આવેલ ગામના તળાવમાં મનરેગા યોજના થકી ચોકડીઓ ખોદવાની અને તળાવ ઉંડા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના થકી 120 શ્રમીકોને દૈનિક 200 રૂપિયા લેખે મજૂરી મળે છે.
લોકડાઉન વખતે ધંધા રોજગાર બંધ થતાં બહારથી વતનમાં આવેલ શ્રમિકોને બે ટક ભોજનના પણ ફાંફા પડી જાય એવી સ્થિતિ હતી, એવામાં ગામના જાગૃત સરપંચે મનરેગા યોજના દ્વારા દૈનિક વેતનથી રોજગારીની તક ઉભી કરી છે. આમાંથી કેટલાક લોકો અમદાવાદ અને સુરત જેવા મહાનગરોમાં હિરા ઘસવાનુ કામ કરતા હતા.
![લોકડાઉનમાં ગામડાઓમાં પરત આવેલ શ્રમીકોને આપવામાં આવી રોજગારી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-02-labour-employment-pkg-gj10013mp4_07062020181949_0706f_1591534189_677.png)
રોજગાર મળવાથી શ્રમિકો માટે આશાનું કિરણ જાગ્યું છે અને તેઓએ ખૂબ ઉત્સાહથી કામકાજ શરૂ કર્યું છે. આમ સરપંચના આવા અભિગમથી બહારથી પોતાના વતન આવેલ શ્રમિકોમાં પણ ખુશી જોવા મળી છે.