- અરવલ્લીમાં વાદળછાયુ વાતાવરણ
- કપાસમાં ગુલાબી ઇયળોનો પ્રકોપ
- ખેડૂતોની મુશ્કેલીમાં વધારો
અરવલ્લી :કપાસનો પાક અરવલ્લીના ખેડૂતો માટે રોકડિયો ગણાતો હતો. જોકે, ગત બે વર્ષથી કપાસની ખેતીમાં નુકસાન થઇ રહ્યુ છે. તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે આફતરૂપ સાબિત થયો છે. આ વિસ્તારના ખેડૂતો એક તરફ કમોસમી વરસાદથી પરેશાન થયા હતા. તો બીજી તરફ સતત વાદળછાયુ વાતાવરણ રહેતા ખેડૂતો માટે અન્ય મોટી સમસ્યા સર્જાઇ છે. કપાસના પાકોમાં ગુલાબી ઇયળોનો પ્રકોપ વર્તાવા લાગ્યો છે. જે કારણે ખેડૂતોને નુકસાની વેઠવી પડે તેવી સ્થિતી સર્જાઇ છે. ચોમાસામાં વરસાદ સારો થયો હોવાથી ખેડૂતોને રવિ સિઝનમાં સારા પાકની આશા એ કપાસની વાવણી કરી હતી.
ગત વર્ષે કપાસના પાકને સુકારોનું ગ્રહણ લાગ્યું હતું
કપાસના પાકની તૈયાર થયેલી કપાસની જિંડવાઓ ઇયળોને લઇને નાશ પામી રહી છે. જેને લઇ ખેડૂતોને હવે ઉત્પાદન ઓછૂં થવાની ચિંતા વ્યાપી છે. ગત વર્ષે કપાસના પાકમાં ખેડૂતોને સુકારાએ પરેશાન કરી મૂક્યા હતા અને હવે વર્તમાન વર્ષે ખેડૂતોને ઇયળનો પ્રકોપ પરેશાન કરી રહી છે.
અરવલ્લી જિલ્લામાં કપાસની વાવણીની વિગત
કપાસના વાવેતરમાં ઇયળનો ઉપદ્રવ વધવાથી ગત વર્ષ 2019ની સરખામણીમાં આ વર્ષે વાવેતર અડધુ છે. અરવલ્લી જિલ્લામાં વર્ષ 2020માં 16,572 હેક્ટર જમીનમાં કપાસનું વાવેવતર કરવામાં આવ્યુ હતું. જ્યારે વર્ષ 2019માં 32,370 હેક્ટર જમીનમાં કપાસના પાકની વાવણી થઇ હતી.