મોડાસા: અમદાવાદની શ્રેય હોસ્પિટલની ઘટના બાદ રાજ્યભરની કોવિડ હોસ્પિટલ્સ તેમજ ખાનગી હોસ્પિટલ્સમાં ફાયર સેફ્ટી અંગે કેટલાય પ્રશ્નો ઉભા થયા છે. અરવલ્લી જિલ્લાના સ્થાનિક તંત્ર દ્રારા તમામ હોસ્પિટલ્સને નોટીસ પાઠવી ફાયર સેફ્ટી નિયમોનું ચુસ્ત પાલન કરવામાં જણાવ્યું છે અને જો તપાસ દરમિયાન ત્રુટી જણાશે તો કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
એક વર્ષ પહેલા સુરતના કોચિંગ ક્લાસમાં લાગેલી આગની ઘટના હજુ લોકોને માનસપટ પર છે, ત્યારે અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં બનેલી ગોઝારી આગની ઘટનાએ સમગ્ર તંત્રને હચમચાવી મુક્યું હતું. તંત્રએ સફાળા જાગી રાજ્યની કોવિડ સહિત તમામ હોસ્પિટલ્સમાં ફાયર સેફ્ટી અંગેની તપાસના આદેશ આપ્યા હતા. આ આદેશના પગલે અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા દ્રારા નગરની તમામ હોસ્પિટલ્સને નોટીસ પાઠવી છે.
જો કે, અરવલ્લી જિલ્લામાં મોટાભાગની હોસ્પિટલ્સમાં ફાયર સેફ્ટીમાં ફક્ત અગ્નિશામક બોટલ લગેલી જોવા મળી હતી, જ્યારે અન્ય સાધાનોનો અભાવ જોવા મળ્યો હતો. આ સિવાય પણ મોડાસામાં કેટલીક જગ્યાએતો સાંકડી ગલીઓ કેટલાય હોસ્પિટલ્સ આવેલી છે, જ્યાં આગ લાગે તો મોટી હોનારત સર્જાઈ શકે છે.