દાવોલપુરા ખાતે રહેતા કૌશિકભાઈ પુંજાભાઈ પટેલ (ઉ. વ. 40) બે દિવસ પહેલા જ અમેરિકાથી પરત ફર્યા હતા. તેઓ મંગળવારે બપોરના સમયે પોતાની પત્ની પ્રિયંકાબેનને બાઈક (નંબર જીજે-23, બીડબલ્યુ-1117) પર બેસાડીને સાંઈનાથ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અઢી વાગ્યાની આસપાસ ટેન્કર નંબર જીજે-16, ડબલ્યુ-3787એ ટક્કર મારતાં દંપતી રોડ પર ફંગોળાયું હતુ. જેમાં ચાલક કૌશિકભાઈ ટ્રેન્કરની નીચે ઘુસી જતાં તેમના પેટથી પગ સુધીનો ભાગ વ્હીલ નીચે આવી ગયો હતો. જેમાં તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ.
જ્યારે પ્રિયંકાબેનને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક 108 મોબાઈલ વાન દ્વારા સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. અકસ્માત સ્થળે લોકોના એકત્ર થઈ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને મદદ કરવા આવી પહોંચ્યા હતા. આ અકસ્માતની જાણ પેટલાદ શહેર પોલીસને કરવામાં આવી હતી, જે બાદ પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. મૃતકના મૃતદેહને પેટલાદની સિવિલ હોસ્પિટલમાં PM માટે મોકલી આપ્યો હતો. જ્યારે મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.