અરવલ્લીઃ રાજ્ય સરકારે લોકડાઉનના સમયમાં વિજ બીલમાં થોડી રાહત આપી છે, તેમછતાં જિલ્લાના મેઘરજ તાલુકાના ખાખરીયા ગામે વિજ વિભાગે એક ગરીબ પરિવારને અધધ રૂપિયા 39,000નું વિજ બીલ પધરાવ્યું હતું.
જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરીયાળ ગામ ખાખરીયામાં ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવનારા કાના ભાઈના ઘરમાં બલ્બ અને એક ટ્યુબ લાઇટ સિવાય બીજા કોઇ જ વિજ ઉપકરણ નથી. જેથી દર બે માસે સરેરાસ રૂપિયા 1500 થી રૂપિયા 2000 વિજ બીલ આવતું હતું. છેલ્લે ડીસેમ્બર માસમાં રૂપિયા 1700 બીલ આવ્યું હતું. જોકે ત્યારબાદ સીધું 32,000 હજાર લાઈટ બિલ આવ્યું હતું. આ જોતા જ ખેડૂતના માથે જાણે આભ તુટી પડ્યુ હતું. ખેડૂતે મેઘરજ UGVCLની કચેરીએ લેખિતમાં અરજી પણ કરી છે. પરંતુ વીજ તંત્ર દ્રારા ખેડૂતનું વીજ કનેક્શન જ કાપી નાખ્યું છે. વિજ કનેકશન કાપી નાખ્યાં બાદ પણ બીજા રૂપિયા 7000 ઉમેરીને રૂપિયા 39,000 હજારનું લાઇટ બિલ પધરાવામાં આવ્યું છે.
જુન અને જૂલાઇ માસના ઉકળાટ અને બફારાવાળા વાતાવારણમાં કાના ભાઈ અને તેમનો પરિવાર વિજળી વિના જીવન વ્યતીત કરી રહ્યા છે. તેમના બાળકો પણ દિવા તળે અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે UGVCL વિભાગની બેદરકારીના કારણે ગરીબ ખેડૂત પરિવારને હાલ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.