અરવલ્લીઃ જિલ્લામાં બે દિવસ દરમિયાન 20 લોકો કોરોનાને માત આપી ઘરે પરત ફરતા જિલ્લામાં નોંધાયેલા 111 કોરોના પોઝિટીવ દર્દીઓ પૈકી 97 દર્દીઓ સ્વસ્થ થયા છે. જયારે 11 લોકો હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે.
આ અંગે વિગત આપતા જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ગુરૂવારના રોજ મોડાસા શહેરી વિસ્તારના 34 વર્ષિય યુવાનનો કોરોનાનો રીપોર્ટ પોઝિટીવ આવતા જિલ્લામાં અત્યાર સુધી મોડાસા શહેરના કોરોનાના 32 કેસ નોંધાયા છે જયારે બાયડના 14, ભિલોડાના 17, મેઘરજના 11, ધનસુરાના 18 અને મોડાસાના 19 મળી કુલ 111 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. જોકે સમયસરની સારવારથી 97 લોકો સ્વસ્થ થતા તેમને ઘરે પરત મોકલવામાં આવ્યા છે. જેમાં બુધવારના રોજ મેઘરજના 1, ભીલોડાના 4 તેમજ વાત્રક કોવિડ હોસ્પિટલમાંથી બાયડના 4 અને ધનસુરા તાલુકાના 2 મળી 11ને તેમજ ગુરૂવારના રોજ મોડાસાના 3, બાયડના 2 અને ધનસુરાના 4 મળી કુલ 9 કોરોના પોઝીટીવ દર્દી કોરોના મુક્ત બનતા રજા આપવામાં આવી છે.
જિલ્લામાં હાલ વાત્રક કોવિડ હોસ્પિટલમાં 3, તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ 7 પોઝીટીવ દર્દી સારવાર હેઠળ છે, તેમજ હીમતનગર સીવીલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલા એક દર્દી સહિત કુલ 11 લોકો કોરાનાની સારવાર લઇ રહ્યા છે. જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે 1626 લોકોને હોમ કોરેન્ટાઇન કરાયા છે.