મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ ખરીફ પાક માટેની શરૂઆત કરી દીધી છે. ગત વર્ષે ખેડૂતોએ મગફળી ઉપરાંત કપાસનું વાવેતર કર્યુ હતું. જો કે, કપાસના પાકમાં સુકારાનો રોગ તેમજ ઇયળ પડતા ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. જેથી આ વખતે અરવલ્લીના મોટા ભાગના ખેડુતોએ મગફળીનું વાવેતર કર્યુ છે.
ગત વર્ષે અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ સારા ઉત્પાદનની આશા સાથે સારો નફો મળે તે હેતુથી કપાસનું ઉત્પાદન કર્યું હતું, પણ ગુલાબી ઈયળ અને સુકારાના રોગથી ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું હતું. જેથી આ વર્ષે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યુ છે. ગત વર્ષે 55,110 હેકટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યુ હતું. જ્યારે આ વખતે 75000 હેકટરમાં કરવામાં આવ્યું છે. આની સરખામણીમાં ગત વર્ષે કપાસનું વાવેતર 32,370 હેકટરમાં કરવામાં આવ્યુ હતું જ્યારે ચાલુ વર્ષે તેનાથી અડધુ એટલે કે ફકત 15000 હેકટરમાં કરવામાં આવ્યુ છે.
ખેડુતોના જણાવ્યા અનુસાર અન્ય પાકમાં પોષણક્ષમ ભાવ મળતા નથી અને છેવટે નુકશાન સહન કરવુ પડે છે. જ્યારે મગફળીની ખરીદી ટેકાના ભાવે પણ થતી હોવાથી સારી આવકની આશાએ ખેડૂતો મગફળીનું વાવેતર કરે છે. મગફળી અને કપાસ ઉપરાંત અરવલ્લીમાં મકાઇ, સોયાબીન ,ઘાસચારો અને શાકભાજીનું પણ વાવેતર કરવામાં આવ્યું છે.
ખરીફ ઋતુમાં વાવેતર | ગત વર્ષ પાક હેક્ટર દીઠ | ચાલુ વર્ષ પાક હેક્ટર દીઠ |
મગફળી | 55,110 | 75,000 |
સોયાબીન | 14,389 | 20,000 |
કપાસ | 32,370 | 15,000 |
મકાઈ | 31,717 | 35,000 |
ઘાસચારો | 22,600 | 25,000 |
શાકભાજી | 5000 | 5,000 |