અરવલ્લીઃ કોરોનાના પગલે લોકડાઉનથી મોટા ભાગના ધંધા રોજગારને માઠી અસર થતા ટ્રાવેલ્સ એજન્સી અને એજન્ટોને ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યુ છે. આ પરિસ્થિતિમાં કેટલીક છૂટછાટ આપવા બાબતે અરવલ્લી જિલ્લા લકઝરી બસ એસોસિએશનના હોદ્દેદારોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
લોકડાઉન અનલોક થતા કેટલાક ધંધા રોજગાર ફરીથી ધમધમતા થયા છે. જો કે, કોરોના ભયના પગલે લોકોએ પ્રવાસ ઓછો કરી નાખ્યો હોવાથી ટ્રાવેલ્સનો ધંધો બીલકુલ ઠપ્પ થઇ ગયો છે. જેથી આ ધંધા સાથે સંકળાયેલા લોકોના પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યુ છે. સાથે સાથે તેમણે વાહનો પર લીધેલા લોનના હપ્તાઓ પણ ભરી શકતા નથી.
કલેક્ટરને આપવામાં આવેલા આવેદન પત્રમાં માગ કરવામાં આવી છે કે, વાહન નોન યુઝ કરવા માટે પણ જે એડવાન્સ ટેક્સ ભરવો પડે છે. તે પ્રથા નાબૂદ કરવામાં આવે અને રોડ ટેક્સમાં એકવર્ષ સુધી રાહત આપવામાં આવે તેમજ વાહન પર લીધેલા લોનના હપ્તા લોકડાઉનના કારણે ભરી શક્યા ન હોવાથી હપ્તા ભરવામાં અને વ્યાજમાં રાહત આપવામાં આવે. આ ઉપરાંત વાહનના વિમાની અવધિમાં 6 મહિનાનું એકટેન્શન આપવામાં આવે તેવી પણ માગ કરી હતી.