અરવલ્લી: વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમને સંબોધતા મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, "દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી રાજ્યના વિકાસની વણથંભી યાત્રાને આગળ વધારી શહેરોના સંતુલિત વિકાસ માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. આજે 45 ટકા કરતાં પણ વધુ વસ્તી શહેરોમાં વસવાટ કરે છે ત્યારે જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્રને સાર્થક કરી રાજ્ય સરકાર તમામ પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ પુરી પાડવા કૃતનિશ્ચયી છે."
વધુમાં મુખ્યપ્રધાને જણાવ્યું કે," પૈસાના અભાવે રાજ્યમાં વિકાસના કોઈ કામો અટકશે નહીં. શુદ્ધ પીવાનું પાણી, ભુગર્ભ ગટર, પાકા રસ્તાઓ, ફાટકમુક્ત શહેર અને તળાવોના બ્યુટીફિકેશન સાથે શહેરો રહેવા અને માણવાલાયક બને તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે. કોરોનાના કપરાકાળમાં પણ આ વિકાસયાત્રા અટકે નહીં તથા વોટર સરપ્લસ અને વૃક્ષજતન દ્વારા શહેરો ક્લિન એન્ડ ગ્રીન બને તે દિશામાં તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓએ સતત કાર્યરત રહેવાનું છે.
સ્વર્ણિમ જયંતી મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લાની મોડાસાની નગરપાલિકાને રૂ. 3 કરોડ, જયારે બાયડ નગરપાલિકાને રૂ. 1 કરોડ રકમની ફાળવણી કરવામાં આવી છે.જેમાં મહાનુભાવોના હસ્તે મોડાસાને રૂ. 1.50 કરોડ જયારે બાયડને રૂ. 50 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા સમાહર્તા અમૃતેશ ઔરંગાબાદકર, ધારાસભ્ય જશુભાઇ પટેલ, નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઑફિસર ઉપસ્થિત રહ્યા હતા.