સ્વચ્છતા અભિયાનની મોટી મોટી વાતુ કરનાર સરકાર ઘણીવાર સ્વચ્છતા પાછળ કાર્ય થાય છે કે નહિં તે જોતી નથી. તાજેતરમાં વરસાદી માહોલને કારણે પાણી ભરાવાની સમસ્યા બધે જ જોવા મળે છે. ત્યારે બાયડના તાલુકા પંચાયતમાં વરસાદી પાણીને કારણે પાણીનો ભરાવો થયો હતો. ગંદકીના કારણે તાલુકા પંચાયત કચેરીમાં કામકાજ અર્થે આવતા અરજદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તાલુકા પંચાયતના પરિસરમાં વરસાદી પાણીનો જમાવડો થતાં મચ્છરોના ઉપદ્રવથી આજુબાજુના રહેણાંક વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીતિ જોવા મળી છે.
બાયડ તાલુકા પંચાયતના સત્તાધીશો અને તાલુકા વિકાસ અધિકારી આ અંગે ઉદાસીન વલણ ધરાવતા હોય તેવું લાગી રહ્યું છે. રોગચાળાને લીધે 20થી વધુ લોકો શંકાસ્પદ ડેન્ગ્યુનો ભોગ બન્યા છે. પરિસરમાં સફાઇ કરવામાં આવે તેવી પંચાયત કચેરીની આસપાસ આવેલી રહેણાંક વિસ્તારોના રહિશોની માંગ છે.