અરવલ્લીઃ અનલોક-1 પછી રાજસ્થાનમાં કોરોનાના કેસ વધતા રાજસ્થાનની સરહદો સીલ કરવામાં આવી છે. ત્યારે જિલ્લાની આંતરાજ્ય સીમા રતનપુર પર રાજસ્થાન પોલીસતંત્રે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. જોકે પાસ ઇસ્યૂ થયેલા માલવાહક વાહનો અને તબીબી ઇમરજન્સીના કિસ્સામાં કલેક્ટર દ્વારા પાસ ઇસ્યૂ કરવામાં આવ્યાં છે તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યોં છે. ગુજરાત-રાજસ્થાનની રતનપુર બોર્ડર સીલ કરવામાં આવતા રાજસ્થાન જતા લોકો અટવાયા છે.
ગુજરાત સહિત પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશની સીમાઓ રાજસ્થાનને જોડે છે. રાજસ્થાનમાં કોરોનાના લીધે 256 લોકોનાં મોત થયા છે, જ્યારે સંક્રમીત દર્દીઓની સંખ્યા 11 હજાર કરતા વધુ છે. જેથી રાજસ્થાન સરકારે 7 દિવસ સુધી આંતરરાજ્ય સરહદો સીલ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે ગુજરાતને અડીને આવેલી રાજસ્થાનને જોડતી તમામ સરહદો સીલ કરવા રાજસ્થાન પોલીસતંત્રએ ગતિવિધિ તેજ કરી દીધી છે.