- અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે નં-8 પર અકસ્માત
અરવલ્લી: અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે નં-8 પર રાજેન્દ્રનગર ચોકડી નજીક અન્ડરબ્રીજ પાસે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના મગોડી ગામના કોદરસિંહ મકવાણા બાઈક લઈને આવી રહ્યા હતા ત્યારે રાજસ્થાન તરફથી આવતી એક ટ્રકે તેમને અડફેટે લીધા હતા. બાઇકને ટક્કર માર્યા પછી બાઈક ટ્રકના ટાયર નીચે રોડ પર ઢસડતા બાઈકચાલક કોદરસિંહ મકવાણાના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના પરિણામે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.
ઘટના બાદ ટ્રકચાલક ફરાર
અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. મૃતક બાઈકચાલક કોદરસિંહના પરિવારજનો અને સગા-સંબંધીઓએ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી આક્રંદ કર્યુ હતું. ઘટનાની જાણ થતા મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ અકસ્માત સર્જી ટ્રકચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.