- પ્રાથમિક શાળાના ઓરડાઓ નજીક ગામના આધેડનો મૃતદેહ મળ્યો
- લોહીથી લથબથ મૃતદેહ જોઇને શાળાના શિક્ષકો અને ગ્રામજનો ગભરાઇ ગયા
- મૃતદેહ મળી આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા
અરવલ્લી : જિલ્લાના મોડાસા તાલુકાના કુડોલ (ઘંટા) પ્રાથમિક શાળાના ઓરડાઓ નજીક ગામના 42 વર્ષીય નાનાભાઇ તરાર નામના આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રથમ દ્રષ્ટીએ નાનાભાઈની હત્યા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરવામાં આવી હોય તેમ જણાતું હતું. લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવતા શાળાના શિક્ષકો અને ગ્રામજનો ગભરાઇ ગયા હતા. આધેડની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ઘટનાની જાણ થતા જિલ્લાના DYSP ભરત બસિયા સહીત મોડાસા રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી કુડોલ (ઘાંટા) સ્કૂલમાં પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગ્રામજનો અને પરિવારજનોની પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર આધેડની હત્યા તેમના નજીકના પરિવારજનોએ કરી હોવાનું જણવા મળતા પોલીસ દ્વારા ત્રણ શકમંદોની અટકાયત કરવામાં આવી છે. મોડાસા રૂરલ પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.