મોડાસાઃ અરવલ્લી જિલ્લાના ગ્રામિણ વિસ્તારમાં વ્યાપેલા કોરોના વાઇરસ સામે આરોગ્ય વિભાગના અસરદાર કદમથી રવિવારે કોરોના પોઝિટિવના બીજા બે રિપોર્ટ નેગેટિવ આવતા બાયડની વાત્રક કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ જિલ્લામાં કોરોના પોઝિટિવના 10 દર્દીઓ સારવાર હેઠળ છે.
અરવલ્લીના બાયડ તાલુકામાં સૌપ્રથમ નોંધાયેલા કોરોના પોઝિટિવ પિતા-પુત્રને 19 એપ્રિલના રોજ બાયડની વાત્રક હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. આ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા સાંઠબાના 64 વર્ષીય કાંતિભાઇ કાલીદાસ ચૌહાણ તથા 33 વર્ષીય હેંમતભાઇ કાંતિભાઇ ચૌહાણના બીજા 2 રિપોર્ટ નેગેટિવ આવતા રવિવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, ત્યારે ત્યાં ઉપસ્થિત ડોક્ટર્સ, નર્સ અને સ્ટાફે તાળીઓથી અભિવાદન કરી હોસ્પિટલમાંથી વિદાઇ આપી હતી.
જિલ્લામાં કુલ નોંધાયેલા 19 કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી ભિલોડાના એક દર્દીનુ મોત થયું હતું. જે બાદ 18 વ્યક્તિઓ સારવાર હેઠળ હતા, જે પૈકી 8 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા હાલ મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં 8 અને બાયડની વાત્રક કોવિડ હોસ્પિટલમાં 2 મળી જિલ્લામાં કોરોના પોઝિટીવના 10 દર્દીઓ સારવાર હેઠળ છે.