વિદ્યાનગર સ્થિત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય તરીકે ચુંટાઈ આવેલા અલ્પેશ પુરોહિતને યુનિવર્સિટીમાં મળેલ સિન્ડિકેટની બેઠકમાં એક વર્ષ સુધી પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અલ્પેશ પુરોહિત અને વાઇસ ચાન્સિલર શિરીષ કુલકર્ણી વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર ચાલુ થયો છે.
સરદાર પટેલ યુનિવર્સિટીના વર્તમાન વાઇસ ચાન્સેલર શિરીષ કુલકર્ણી દ્વારા જણાવ્યા મુજબ અલ્પેશ પુરોહિત દ્વારા યુનિવર્સિટી અને વહીવટી માળખા ઉપર વારંવાર કરવામાં આવતા ભ્રષ્ટાચાર ના આક્ષેપ અને કોઈ આધાર પુરા રજૂ કર્યા સિવાયના માત્ર આક્ષેપોના આધારે કરવામાં આવતી રજૂઆતોને ધ્યાને લેતા સિન્ડિકેટ સભામાં માત્ર બે સિન્ડિકેટ સભ્યોને છોડતા બાકીના સર્વસંમતિ એ અલ્પેશ પુરોહિતને એક વર્ષ સુધી સભામાં હાજર ન રહેવા દેવા ઠરાવ પાસ કરવામાં આવ્યો છે.
વાઇસ ચાન્સેલર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અલ્પેશ પુરોહીતને મળેલ P.H.Dની પદવીનો પણ તેઓ એક વર્ષ સુધી ઉપયોગ કરી શકશે નહીં. તેમને મળેલ P.H.Dની પદવી માટે તેમણે યુનિવર્સિટીમાં ફરીથી એક વર્ષની અંદર થીસિસને સબમિટ કરવાની રહેશે જેવો કમિટી દ્વારા નિર્ણય લેવાની પણ તેમણે જાણકારી આપી હતી.એક તરફ અલ્પેશ પુરોહીત યુનિવર્સિટીમાં ચાલતા ગેરવ્યાજબી વહીવટ તથા ભ્રષ્ટાચાર થી કરવામાં આવતી ટેન્ડર પ્રક્રિયા જેવા અનેક મુદ્દાઓ પર યુનિવર્સિટી અને તેના વહીવટીતંત્ર પર આક્ષેપ કરવામાં આવે છે.
વિદ્યાનગર યુનિવર્સિટીનો બહુચર્ચિત P.H.D ગોટાળો જેને લઇ મળેલી સિન્ડીકેટ સભામાં માહોલ ગરમાયો હતો. અલ્પેશ પુરોહીત દ્વારા માત્ર વિદ્યાર્થી અને માર્ગદર્શકને સજા આપી સમગ્ર ઘટના ઉપર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયત્ન વાઇસ ચાન્સેલર દ્વારા કરવામાં આવી રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. P.H.Dની પ્રવેશ પ્રક્રિયાથી લઇ વિવાદિત વિદ્યાર્થીને P.H.Dની પદવી એનાયત થયા સુધીની પ્રક્રિયામાં સંડોવાયેલા તમામ અધિકારીઓ ઉપર યુનિવર્સિટી દ્વારા કડક કાર્યવાહી કરી નિષ્પક્ષ કમિટી બનાવી તેની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. આ વિષય પર બીજી તરફ વિવાદિત વિદ્યાર્થી રોનક સોનારા તથા માર્ગદર્શક યજ્ઞેશ દલવાડીને ઉચિત સજા થયેલ હોવાનું રટણ વાઇસ ચાન્સિલર દ્વારા કરવામાં આવી રહ્યું છે.શિક્ષણ નગરી વિદ્યાનગરમાં આવેલ સરદાર પટેલ યુનિવર્સિટી એક રાજકીય અખાડો બની રહી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યુ છે.