આણંદઃ પોલીસ દ્વારા સાયબર ક્રાઈમને અટકાવવા માટે દૂધ મંડળીઓના સહારે જાગૃતિ અભિયાન શરૂ કરવાનું આયોજન કરાયું છે. જેમાં પોલીસ દ્વારા દરેક દૂધ મંડળીમાં બેનર લગાવવામાં આવશે. તેમજ મંડળીઓના સેક્રેટરી ચેરમેનને સમજ પૂરી પાડવામાં આવશે. આગામી ટૂંક સમયમાં આણંદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં આવેલ 407 દૂધ મંડળીઓમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવતા પોસ્ટર મારી આ ડ્રાઇવ શરૂ કરવાની વ્યવસ્થા કરાઈ છે.
- લોકડાઉન દરમિયાન આણંદમાં સાયબર ક્રાઈમમાં થયો વધારો
- ઓનલાઈન ફ્રોડની કુલ 9 જેટલી નોંધાઈ ફરિયાદ
- પોલીસે દૂધ મંડળીઓની મદદથી જાગૃતિ અભિયાન શરૂ કરવા કર્યુ આયોજન
આ અંગે સાયબર સેલના PSI યુબી પટેલે જણાવ્યું હતું કે, લોકાડઉન દરમિયાન મોટાભાગના લોકોએ ઓનલાઇન પેમેન્ટ કરતી એપ્લિકેશનનો ઉપયોગ કરવાનું વધાર્યું હતું. જેને લઇને સક્રિય થયેલ સાયબર ક્રિમિનલ્સ દ્વારા ખાસ ATM કાર્ડ રીન્યુ કરવા ATM કાર્ડ અપડેટ કરવા KYC અપડેટ કરવા ક્રેડિટ-ડેબિટ કાર્ડના પીન નંબર બદલવા અને OTP નંબર મેળવી પ્રજા સાથે છેતરપિંડી આચરતા હોવાના ગુના સામે આવી રહ્યાં છે.
આણંદ જિલ્લામાં લોકાડઉન દરમિયાન ઓનલાઈ ફ્રોડની કુલ 9 જેટલી ફરિયાદો મળી હતી. જેના આધારે પોલીસ જે-તે કંપનીને મેલ અને ફોન કરી પેમેન્ટ પરત અપાવવાની તજવીજ હાથ ધરી હતી. આ સાથે કાયદીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. કુલ નવ ફરિયાદમાં એક લાખ 96 હજાર જેટલી રકમ લોકાડઉન દરમિયાન પરત આપવામાં આવી છે.
અન્ય કિસ્સાઓમાં પેમેન્ટ એપ્લિકેશન થકી કેસબેક, ઇનામ કે લોટરીની લાલચ આપી UPI પીન મેળવી પછી પ્રોસેસિંગ ચાર્જના નામે પૈસા પડાવી છેતરપિંડી આચરવામાં આવે છે. ટેકનોલોજીના યુગમાં ઓનલાઇન છેતરપિંડીના બનતા આવા બનાવો સામે પોતે સતર્ક રહી અને પોતાના ખાતા અને એપ્લિકેશનની ખાનગી માહિતી અજાણ્યા વ્યક્તિઓ સાથે શેર ન કરવા આણંદ પોલીસે નાગરિકોને અપીલ કરી હતી. આણંદ જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઈમના ભોગ બનનાર વ્યક્તિઓ માટે ફોન નંબર જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં 02692-241233,02692-261033,02692-260015 અથવા તો, 100 નંબર પર સંપર્ક કરી આપ ફરિયાદ કરી શકો છો.