- ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર ભાજપથી નારાજ
- પોતાના રાજીનામા આપવા બાબતે કરી વિધાનસભા અધ્યક્ષ સાથે વાત
- અમૂલ ડેરીના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીની હાર બાદ નારાજગી આવી સામે
- અમૂલની ચૂંટણીમાં લાખો રૂપિયાનો ખર્ચો કરી હાર્યા હોવાની કરી વાત
આંણદ : જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે પક્ષથી નારાજગી જાહેર કરી આગામી મંગળવારે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. જેને લઇને સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
સાંસદ અને જિલ્લા સંગઠનથી પણ નારાજગી
ગોવિંદ પરમાર આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર બીજેપીના મેન્ડેટ સાથે વિજેતા બન્યા હતા. જેમણે હાલમાં જ અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં પણ ઝંપલાવ્યુ હતું. જેમાં આણંદના કાંતિ સોના સામે તેઓએ હારનો સામનો કરવો પડયો હતો. જેને ગોવિંદ પરમાર પક્ષથી નારાજ ચાલી રહ્યા હતા. ગોવિંદ પરમારે આક્ષેપ કર્યો છે કે, આણંદ જિલ્લાના સાંસદ મિતેશભાઇ પટેલ દ્વારા જ્ઞાતિવાદ અને જૂથવાદ કરવામાં આવે છે. અમૂલના ઇલેક્શનમાં પણ તેમના દ્વારા પક્ષના વ્યક્તિને સમર્થન આપવામાં આવ્યું ન હતું. મિતેશભાઇ પટેલ પર આકરા પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, સાંસદ મિતેશ પટેલ અને સ્થાનિક આગેવાનો જ્ઞાતિવાદ ફેલાવે છે. તેના કારણે મારે અમૂલમાં કારમી હારનો સામનો કરવો પડ્યો.
મંગળવારે ધારાસભ્ય પદ પરથી આપશે રાજીનામું
ગોવિંદ પરમારના જણાવ્યા પ્રમાણે તેમણે અધ્યક્ષ અને આ સાથે પક્ષમાં આ સમસ્યા અંગે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં સ્થાનિક આગેવાનોના વર્તનમાં કોઈ ફરક નથી પડતો. અંતે તેમણે રાજીનામું મૂકવાનો નિર્ણય લીધો છે. તેમના જણાવ્યા મુજબ આવનાર મંગળવારે તેઓ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી પક્ષના એક કાર્યકર તરીકે સક્રિય રહેશે.
જો કે આ બાબતે સાંસદ મિતેશભાઇ પટેલની પ્રતિક્રિયા
આણંદ જિલ્લાના સાંસદ મિતેશ પટેલે ગોવિંદ પરમારના તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા તેમણે જણાવ્યું કે, ભાજપ હંમેશા બધાને સાથે રાખીને ચાલનારની પાર્ટી છે. જ્ઞાતિવાદ ફેલાવુ તે ભાજપની નીતિ નથી તેમણે જણાવ્યું હતું કે પોતે પક્ષને મળેલા છે અને બધી જ્ઞાતિને સાથે રાખી હંમેશા વિકાસને પ્રાધાન્ય આપી કામ કરે છે.
ત્યારે આણંદ જિલ્લામાં ધારાસભ્ય રાજીનામા વિવાદનું હવે શું પરિણામ આવે છે તે જોવું રહ્યું. મિતેશ પટેલે ધારાસભ્ય ગોવિંદભાઈ સાથે વાત કરવાની પણ સહમતી દાખવી હતી. ત્યારે આવનાર દિવસોમાં પક્ષ અને આગેવાનોની દખલગીરી બાદ ગોવિંદભાઇ પોતાનો મિજાજ બદલે છે કે રાજીનામાની વાત પર મક્કમ રહે છે, પરંતુ સમગ્ર મામલામાં હવે આણંદ ભાજપમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.