- થામણાના સરપંચ રેખાબેન પટેલનું કોરોનાથી અવસાન
- વાસદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ
- છેલ્લા 7 દિવસથી સારવાર અર્થે થયાં હતાં દાખલ
આણંદઃ જિલ્લામાં કોરોના સંક્રમણ વધુ ઘાતક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 2827ને પાર પહોંચ્યો છે. જિલ્લામાં હાલ 70 દર્દીઓ એક્ટિવ કોવિડની સારવાર હેઠળ હોવાની માહિતી તંત્ર દ્વારા આપવામાં આવી છે. 17 જેટલા દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો હોવાનો આંકડો સરકારી ચોપડે નોંધાયો છે. તેવામાં આણંદની વાસ્તવિક પરિસ્થિતિ ચિંતાજનક બની રહી હોય તેમ લાગી રહ્યું છે. જિલ્લામાં ખાનગી લેબોરેટરી અને હોસ્પિટલમાં થતાં ટેસ્ટ અને સરકારી હોસ્પિટલમાં થતાં કોવિડ રિપોર્ટના આંકડા અલગ અલગ પરિસ્થિતિનું સર્જન કરતાં નજરે પડી રહ્યાં છે. ત્યારે થામણાના સરપંચ રેખાબેન પટેલનું કોવિડના કારણે અવસાન થતાં ચિંતા ઘેરી બની છે. રેખાબેન પટેલ ઉમરેઠના ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મહિલા પાંખમાં જવાબદારી સંભાળતાં હતાં અનેે છેલ્લા 4 વર્ષથી થામણા ગામમાં સરપંચ તરીકે સેવા આપી રહ્યાં હતાં.
HRCT રીપોર્ટ સ્કોર 18/25 હતો
ઉમરેઠ TDHO અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે રેખાબેન પટેલનો રેપિડ એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. જે બાદ તેમની તબિયત નાદુરસ્ત લાગતા રેખાબેને ખાનગી હોસ્પિટલમાં HRCT રીપોર્ટ કરાવ્યો હતો, જેમાં સ્કોર 18/25 આવ્યો હતો. જેથી તેમને કોવિડની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. રેખાબેનને બ્રેઇન સ્ટ્રોક પણ આવ્યો હતો,જેની સારવાર દરમિયાન તેમનું આજે અવસાન થયું હોવાની જાણકારી અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ આણંદ જિલ્લાના સારસા ગામમાં લોકડાઉન, કોરોનાના કેસમાં વધારો થતા કરાયો નિર્ણય
હોસ્પિટલના ડૉક્ટરે આપી જાણકારી
બીજી તરફ વાસદ યુનિટી હોસ્પિટલમાં સી.એમ.ઓ. ડૉ. હેતલ દવેના જણાવ્યાં અનુસાર રેખાબેન પટેલ 10 માર્ચના રોજ કોવિડ પોઝિટિવ આવતા વાસદ ખાતે સારવાર માટે દાખલ થયાં હતાં. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આઈ.સી.યુમાં સારવાર અર્થે રાખવામાં આવ્યાં હતાં, જ્યાં સારવાર દરમિયાન રેખાબેને અંતિમ શ્વાસ લીધાં હતાં. તેમનું ઓક્સિજન લેવલ પણ 90 આસપાસ રહેતું હોવાની જાણકારી આપી હતી. રેખાબેનના મૃત્યુ સમયે તે એક્ટિવ કોવિડ દર્દી હોવાની જાણકારી પણ ડૉ. હેતલ દવેએ આપી હતી.
આ પણ વાંચોઃ વડોદરામાં એક કોર્પોરેટર અને એક મહિલા કાઇન્સિલર કોરોના પોઝિટિવ
કોવિડ કે નોન કોવિડ ડેથ?
થામણા ગામના સરપંચ રેખાબેન પટેલનું મૃત્યુ તંત્ર દ્વારા કોવિડમાં ગણવામાં આવશે કે નોન કોવિડમાં તે એક સવાલ બની ગયો છે! આ સંદર્ભે જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે ડૉ. છારીએ જણાવ્યું હતું કે આ પ્રકારની પરિસ્થિતિમાં તંત્રની કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવતો હોય છે. જેમાં CDHO, CDMO,એનેસ્થેટિક,ફિઝિશિયન ડોક્ટર અને EMO દ્વારા સંયુક્ત રીતે નિર્ણય લેવામાં આવે છે. હવે જોવું રહ્યું કે થામણા ગામના સરપંચ રેખાબેન પટેલનું મોત તંત્ર દ્વારા કોરોનામાં ગણવામાં આવે છે કે પછી નોન કોવિડમાં ગણવામાં આવે છે. હાલ રેખાબેનના અવસાનના સમાચારે સમગ્ર ગામને શોકમગ્ન બનાવ્યું છે અને ગામ તથા પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.