મનુષ્યના જીવનમાં સંસ્કારોનું સિંચન અને શિક્ષણ રૂપી જ્ઞાનનો સ્ત્રોત પૂરું પાડતો વર્ગ એટલે શિક્ષક, આ જ શિક્ષકોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ હાલમાં રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે રાજ્યમાં સૌપ્રથમ આણંદમાં સન્માનિત શિક્ષકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે બાકરોલના આત્મીય વિદ્યાલયમાં એક ગ્રુપ ઓફ કંપની દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદ રાજ્યસભાના સાંસદ લાલસિંહ વડોદિયા, રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય રોહિતભાઈ પટેલ સહિત વિવિધ સંસ્થાઓના વડાએ ઉપસ્થિત રહી શિક્ષકોનું સન્માન કર્યું હતું.
આ કાર્યક્રમમાં શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે. શિક્ષણ ક્ષેત્ર સુધારો લાવવાની જવાબદારી શિક્ષકની અને સરકારની સરખી છે. જ્યારે રાજ્યમાં શિક્ષણના સ્તર વિશે મીડિયા દ્વારા પ્રશ્નો પૂછવામાં આવે છે કે, ધોરણ 3 અને 4ના બાળકો કેમ વાંચી કે લખી શકતા નથી ? જેના જવાબમાં આપણે કોઈપણ નિવેદન આપી શકતા નથી. ચૂડાસમાંએ શિક્ષકોના વકીલ તરીકે જવાબ આપતા હોય તેમ કહ્યું કે, શિક્ષકોએ વકીલાતની ફી ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડી ચૂકવવાની છે.
શિક્ષણ પ્રધાનનું આ નિવેદન શિક્ષણ જગતમાં ભારે ચર્ચાનો વિષય બની ગયું છે. કારણ કે, એક તરફ સરકાર પ્રવેશોત્સવ અને વિવિધ કાર્યક્રમો દ્વારા શિક્ષણના સ્તરને સુધારવા માટે પ્રયત્નો કરી રહી છે અને આંકડાકીય માહિતી આપી રહી છે. ત્યારે ખુદ શિક્ષણ પ્રધાન દ્વારા કરવામાં આવેલ આ નિવેદનથી સ્થાનિક શિક્ષણ જગત ક્ષેત્રે સંકળાયેલ વ્યક્તિઓમાં ખૂબ જ આશ્ચર્યજનક દ્રશ્યો સર્જાયા હતા.