આણંદ: બુધવારે વહેલી સવારથી આણંદમાં અમદાવાદથી આવેલી આવકવેરા વિભાગની વિવિધ ટીમોએ દરોડાની કામગીરી હાથ ધરી હતી. શહેરના નામી બેનામી વેપારીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. આણંદ શહેરમાં વહેલી સવારે રાજ્ય આવકવેરા વિભાગની વિવિધ ટીમો દ્વારા શહેરના ખ્યાતનામ બિલ્ડર અને જ્વેલર્સની દુકાનોમાં તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા હતા. જે બાદ મોટી કરચોરી સામે આવે તેવી ચર્ચાઓએ પણ વેગ પકડયો હતો.
બીજી તરફ જિલ્લાના પ્રથમ શ્રેણીમાં આવતા ત્રણ જેટલા બિલ્ડરને ત્યાં પણ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં સરદાર ગંજ પાસે આવેલ નારાયણ ફાઇનાન્સ અને એસોસીએટ કંપનીમાં આવકવેરા વિભાગની બે ટીમે તપાસના ધમધમાર શરૂ કર્યા હતા. બીજી તરફે નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ ક્રિષ્ના બિલ્ડર અને જેડી બિલ્ડરના પણ ઓફિસ અને મકાનમાં આઈકર વિભાગે તપાસના દોડ શરૂ કર્યા હતા.
આણંદ જિલ્લાની નાની-મોટી પેઢીઓમાં પણ સવાર સવારમાં જ આઈકર વિભાગની સરપ્રાઇઝ મેગા ડ્રાઇવના કારણે ચિંતા વ્યાપી જવા પામી હતી. જે સાથે જિલ્લામાં મોટા ગજાના વેપારીઓમાં પણ ચિંતા આપી જવા પામી હતી. વહેલી સવારથી શરૂ થયેલું સર્ચ ઓપરેશન મોડી સાંજ સુધી પણ ચાલુ રહ્યું હતું. મહત્વનું છે કે સમગ્ર મામલે આવકવેરા વિભાગની કામગીરીને લઈને પરિવારના ઘણા સભ્યોના બીપી વધી જતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે પણ મોકલવામાં આવ્યા હોવાની ચર્ચા ઉઠી હતી. જે ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ કરે છે કે વિભાગની કામગીરીથી વેપારીઓ સાથે પરિવારની પણ ચિંતામાં વૃદ્ધિ થવા પામી હોય શકે.
ઉલ્લેખનીય છે કે રાજયમાં તેજ થયેલા રાજકીય માહોલ વચ્ચે જ્યારે લોકસભા ચૂંટણીને લઈને ગતિવિધિ ચાલી રહી છે. તેવામાં ઇન્કમટેક્ષ આ દરોડા થકી રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાએ વેગ પકડ્યો હતો.