આણંદઃ જિલ્લામાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. આજે પણ જિલ્લામાં નવા 11 કેસ સામે આવ્યા છે, ત્યારે લોકલ ટ્રાન્સમિશનથી ફેલાતા સંક્રમણને નિયંત્રણમાં લાવવા કલેકટર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટર આર. જી. ગોહિલે જણાવ્યું હતું કે, "લોકડાઉન અને ત્યારબાદ થયેલા અનલોકના સમય દરમિયાન આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું છે. જેનું મુખ્ય કારણ લોકલ ટ્રાન્સમિશન જણાઈ રહ્યું છે. કોરોના સંક્રમણને રોકવા માટે તંત્ર દ્વારા ઘણા પ્રચાર-પ્રસાર તથા જાગૃતિ અભિયાન કરવામાં આવ્યા છે. સરકારના તમામ વિભાગો કોરોના પર નિયંત્રણ લાવવા પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ આ સાથે જ પ્રજાએ પણ જાગૃત થવાની જરૂર છે.
સોશિયલ ડિસ્ટન્સ, સેનીટાઇઝર સાથે માસ્ક પહેરી પ્રજા કોરોના ગાઈડલાઈનનું પાલન કરે તો સંક્રમણ પર નિયંત્રણ મેળવવામાં વધુ સરળતા ઊભી થાય તેવી શક્યતાઓ છે. તેમણે પ્રજાને અપીલ કરી હતી કે, આ માસ્કનો ઉપયોગ વધુ કરે સાથે જ સોશિયલ ડિસ્ટન્સ અને ખોટા પબ્લિકના મેળાવડા ઊભા ન કરે સાથે જ સરકારી નિયમોનું પાલન કરે.
આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા માટેની કામગીરી વિશે જણાવતા કલેક્ટરે જણાવ્યું હતું કે, "જિલ્લામાં 26 ધનવંતરી રથ લોકોના સ્વાસ્થ્યને ચકાસણીમાં જોડાયેલા છે. આ સાથે જ સ્વામી વિવેકાનંદ યુવક મંડળ દ્વારા પણ ગ્રામ્ય કક્ષાએ પહોંચીને 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓને સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, આરોગ્ય વિભાગ દ્વારા રેપિડ ટીમ બનાવી જે કોઈ વિસ્તારમાં શંકાસ્પદ દર્દી સામે આવે છે, તે વિસ્તારના નાગરિકોનું આરોગ્યની ચકાસણી કરી તેમની પણ આરોગ્યલક્ષી સુવિધાઓ ઊભી કરી આપવામાં આવે છે.
સંક્રમણને ધ્યાનમાં લઇને આવનારા સમયમાં વેન્ટિલેટર તથા ICUની જરૂરિયાતને પૂરી કરવા માટે સરકારી તેમજ ખાનગી દવાખાનાઓની પણ યાદી તૈયાર કરાઈ છે. જેથી ભવિષ્યના સંકટમાં લોકોના વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો દર્દીઓને જરૂરી સારવાર તથા સુવિધાઓ પૂરી પાડવા માટે તંત્રને સરળતા રહે.