આણંદ: જિલ્લાના પેટલાદ તાલુકાની સેવા ભાવી સંસ્થા વામા સેવા ટ્રસ્ટ અને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા તાલુકામાં સર્વે કરી, ગર્ભવતી મહિલાઓ અને વડીલો માટે વિટામિન સી, ઝીંક, હોમીઓપેથીક દવાઓ સાથે આયુર્વેદીક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પેટલાદના બાંધણી સીએચસી આરોગ્ય કેન્દ્ર પર 50 જેટલી ગર્ભવતી મહિલાઓને એકત્રિત કરી તેમને સોશિયલ ડિસ્ટન્સીંગ રાખી દવા તેમજ તેના ફાયદા તથા તેના સેવન વિશે જાણકારી આપવામાં આવી હતી.
પેટલાદ તાલુકામાં 1,300 જેટલી મહિલાઓ ગર્ભવતી મહિલાઓ અને 13,000 જેટલા વૃદ્ધોને પ્રથમ આ દવાઓનું વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ 39,000 જેટલા જટિલ બીમારીઓથી પીડાતા વડીલો જેઓની ઉંમર 60 વર્ષ કરતા વધારે છે, તેમને તબક્કા વાર આ દવાઓનું વિતરણ કરવામાં આવશે.
આ પ્રસંગે પેટલાદ વામા સેવા ટ્રસ્ટના પ્રમુખ વિજ્ઞાત્રીબેને જણાવ્યું હતું કે, આ દવાના સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જે સરકાર અને આરોગ્ય વિભાગની સૂચના અનુસાર પેટલાદ તાલુકા આરોગ્ય વિભાગ અને વામાં સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિતરણ કરવામાં આવ્યું છે. જે કોરોનાના હાઈ રિસ્ક દર્દીઓને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થશે.