- હિન્દુ યુવકે મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરતા જાનથી મારી નાંખવાની ધમકી
- પરિણીત યુગલે સ્વરક્ષણ માટે પોલીસ સમક્ષ માગ ઉચ્ચારી
- યુવતીના પરિવારજનો બન્નેને છૂટા પાડવા કરી રહ્યા છે હિંસક પ્રયાસો
આણંદ : જિલ્લામાં કોમી રમખાણો બાબતે અતિસંવેદનશીલ ગણાતા ખંભાતના જૂની મંડાઈ સૈયદવાડા ખાતે રહેતી 20 વર્ષીય યુવતીએ પોતાની મરજીથી હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા હતા. જોકે, તેણીના પરિવારજનો આ વાતથી નાખુશ હોઈ બન્નેને છૂટા પાડવા માટે હિંસક પ્રયાસો કરી રહ્યા છે. જેને લઈને યુવતી દ્વારા આણંગ તેમજ ખંભાત પોલીસને લેખિતમાં અરજી પણ આપી છે. આ વચ્ચે યુવતીના પરિવારથી ડરેલું આ યુગલ સલામત જગ્યાએ જતું રહ્યું છે.
યુવતીએ સોશિયલ મીડિયા પર પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું
યુવતી ફરમીન બાનુ મોહમ્મદ ફુરકાન સૈયદે આ ઘટના બોદ સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં તેણીએ જણાવ્યું હતું કે, તેણીએ પોતાની મરજીથી યુવક સાથે લગ્ન કર્યા છે અને હાલમાં તે ખૂબ જ ખુશ છે. 30 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો.
પરિવારજનોને લગ્ન મંજૂર ન હોવાથી છૂટા પાડવાના હિંસક પ્રયાસો
ફરમીન સૈયદે આપેલી અરજીમાં તેણે જણાવ્યું હતું કે, ફરમીનબાનુ મોહમ્મદ ફુરકાન સૈયદે પોલીસ વડા આણંદ તથા ખંભાત શહેર પોલીસ સ્ટેશનમાં આપેલી લેખિત અરજીમાં જણાવ્યું હતું કે, તેણીએ 19 જૂનના રોજ ઉત્કર્ષ પ્રદીપકુમાર પુરાણી સાથે પોતાની મરજીથી કોઈપણ પ્રકારના દબાણમાં આવ્યા સિવાય લગ્ન કર્યા છે. 17મી જૂનના રોજ તેણે તેના પિતાનું ઘર પહેરેલા કપડે છોડી દીધું હતું. હાલમાં તેણીના પિતા અને અન્ય પરિવારજનોને લગ્ન મંજૂર ન હોવાથી તેઓ તેમને છૂટા પાડવા માટે હિંસક પ્રયાસો હાથ ધરી રહ્યા છે અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી રહ્યા છે.
પોતાના પિતા અને પરિવારનો છે ડર
અરજીમાં તેણીએ કહ્યું છે કે, તેણીએ હિન્દુ યુવક સાથે તેની મરજીથી લગ્ન કર્યા છે. હાલમાં દંપતી પર જાનનું જોખમ હોવાથી તેઓ ખંભાતથી અન્ય સ્થળે જતા રહી પોતાની જાનને જોખમ હોવાનું જણાવ્યું છે અને સલામત સ્થાને આશરો લીધો છે. તેને પોતાના પિતા મોહમ્મદ ફુરકાન સૈયદથી ભય છે. આ ઉપરાંત તેના કૌટુંબિક મામા એજાજ સૈયદ, તાકીર સૈયદ, ફિરોજ પઠાણ ઉર્ફે (ફન્ટર) સહિતના પરિવારજનોના નામનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો તેણીને કે તેના પતિને અથવા યુવકના પરિવારને કંઇ પણ થશે તો તેની જવાબદારી આ લોકોની રહેશે તેમ પણ તેણીએ જણાવ્યું હતું.
જાણો શું કહે છે DySP ?
આ અંગે DySP ભારતીબેન પંડ્યાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલમાં અમે જાણવાજોગ દાખલ કરી છે અને તપાસ ચાલુ છે. કોલ ડિટેઇલ્સ તેમજ લોકેશન ટ્રેક કરીને પોલીસ કાર્યવાહી કરી રહી છે. આ અંગે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છોકરો-છોકરી બન્ને જ્યારે અહીં આવીને નિવેદન આપશે. જેના આધારે પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે. અમારી તપાસ નિષ્પક્ષ રહેશે. સાચી દિશામાં અને જરૂરી સૂચનો અનુસાર અમે યોગ્ય કાર્યવાહી કરીશું.
ખંભાતમાં જ આવી એક ઘટના ભૂતકાળમાં બની હતી
ખંભાત તાલુકાના ઉદેલ ગામમાં મોરેસલામ ગરાસીયા જ્ઞાતિની યુવતીને પટેલ જ્ઞાતિના યુવક સાથે હિન્દુ લગ્ન વિધિ અનુસાર લગ્ન કર્યા હતા .હાલમાં પણ આ યુગલ ખૂબ જ સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે. જોકે ઉદેલ ગામની આ ઘટના લવજેહાદનો કાયદો ગુજરાતમાં અમલી બન્યા તે પહેલાં બની હોવાથી આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.