આણંદઃ જિલ્લાની શૈક્ષણિક નગરી કહેવાતા વિદ્યાનગરનો ચારૂતર વિદ્યામંડળ જમીન વિવાદ સામે આવ્યો છે, નગરના જનતા ચોકડી ફાટક પાસે આવેલી જમીનને લઈ ચારુતર વિદ્યા મંડળ દ્વારા આ જમીન પોતાની માલિકીની હોય જમીનના ફરતે ફેન્સિંગ કરવા માટેની કામગીરી કરવા માટે સ્થળ પર પહોંચી જમીન પર કબ્જો ધરાવતા ખેડૂતો દ્વારા પોતે માલિક હોવાના સાથે જ આ ફેન્સિંગની કામગીરી ન કરવા માટે કહેવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, ઘટનાના દ્રશ્યો જોતાં જ સમજી શકાતું હતું કે, સંસ્થાને ફેન્સિંગ કરવા માટે પોલીસ લઈ જવાની જરૂર શા માટે પડી હતી. જો કે, સમગ્ર બાબતે જમીનના ખેડૂતે આ જમીન પર પોલીસ, ભરવાડ અને સંસ્થાના કર્મચારીઓ દ્વારા બળજબરીપૂર્વક કબ્જો મેળવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે, સમગ્ર બાબતે જમીનના સ્થળ પર પોલીસ JCB સાથે આવતા જમીન ના કબ્જેદારને અને પોલીસની સાથે ચકમક થવાના દ્રશ્યો પણ સર્જાયા હતા, આ દરમિયાન હાજર પોલીસ અધિકારીને પત્રકારોના સવાલોના જવાબ આપવાનો પણ ટાળ્યું હતું. ત્યારે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા. જો કે ખરેખર એક શૈક્ષણિક સંસ્થાએ કબ્જો મેળવવા માટે પોલીસની મદદ ક્યાં કારણથી લેવી પડી હતી? અને હાજર અધિકારીઓ દ્વારા કેમેરા સામે બોલવાનું શા કારણથી ટાળવામાં આવ્યું હતું? જેવા અનેક સવાલો સ્થળ ઉપર ઉભા થયા હતા.
પત્રકારોના પોલીસની કામગીરીના કારણો જાણવાની ઉત્સુકતાને લઇ બાદમાં વિદ્યાનગર PIએ પોતાની પ્રતિક્રિયા આપવા ફરજ પડી હતી. વિદ્યાનગર PI હરપાલસિંહ ચૌહાણના જણાવ્યા પ્રમાણે વિદ્યાનગર ચારૂતર વિદ્યામંડળ દ્વારા પોલીસ પાસે ઓન પેમેન્ટ પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી અને વિવાદીત સ્થળ પર કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અને શૈક્ષણિક સંસ્થાની કામગીરીમાં દખલ કરનારા વ્યક્તિઓ સામે પોલીસ જરૂરી પગલા ભરી શકે તે મુજબ પોલીસ રક્ષણની માગણી કરવામાં આવી હતી. જેના ભાગરુપે પોલીસ દ્વારા સમગ્ર કામગીરીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુને ધ્યાને લઇ સંસ્થાની અરજીના આધારે ઓન પેઇમેન્ટ પોલીસ પ્રોટેક્શન ફાળવવામાં આવ્યું હતું.
જાણીતી શૈક્ષણિક સંસ્થા ચારૂતર વિદ્યામંડળનો જમીન વિવાદની વાત નગરમાં ચર્ચાનો વિષય બની હતી. ત્યારે સંસ્થાના પ્રતિનિધિએ પણ પોતાનો પક્ષ મૂકવો યોગ્ય સમજ્યું હતું, પરંતુ કબ્જો મેળવવાની વાત ન કરતા ફક્ત ફેન્સિંગ માટે પોલીસની મદદ લેવામાં આવી છે, તેવી તેમના દ્વારા વાત કરવામાં આવી હતી, વિશાલ ભાઈ પટેલ દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે, આ જમીનને લઈ કોઈ વિવાદ નથી.
એક ખાનગી જમીનનો કબ્જો મેળવવા માટે શૈક્ષણિક સંસ્થાની ફિલ્મી ઢબે કરવામાં આવેલી કામગીરીએ હાલ તો પોતાનું પોલીસ મદદનું શક્તિપ્રદર્શન વિદ્યાનગરમાં દેખાડવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનામાં JCB મારફતે નોટિસબોર્ડ લગાવવાની કામગીરી સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. ત્યારે અનેક સવાલો ઊભા થાય છે કે, કોણ છે જમીનના સાચા માલિક? એ સંસ્થા કે જે વર્ષોથી સરકારી કાગળ પર પોતાની માલિકી દર્શાવી રહી છે! કે પછી એ જમીન પર રહેતો એ મજબુર પરિવાર જેમને પોતાની કાગળ પર માલિક ન હોવા છતાં પણ વડીલો પાસેથી મળેલી પાર્જીત જમીન પોતાના પરસેવો રેડી સિંચન કર્યું!
મહત્વનું છે કે, સમગ્ર વિવાદ વકરતા પોલીસ દ્વારા કબ્જેદારોમાંથી અમુક સભ્યોની બળજબરીથી અટકાયત કરવામાં આવી હતી. અંતે સંસ્થા સામે પરિવાર નિઃસહાય બની વિવાદી જમીન પર સંસ્થાના JCBનું તાંડવ નિહાળવા મજબૂર બન્યો હતો.