આણંદઃ કોરોના મહામારી દરમિયાન જાહેર કરાયેલા લોકડાઉનમાં તમામ લોકોના ધંધા-રોજગાર બંધ થયા હતા. જેથી સમગ્ર દેશમાં આર્થિક મંદીનો માહોલ છે, ત્યારે ચોરી અને લૂંટના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. આવી જ રીતે જિલ્લાના ઉમરેઠના પોલીસ મથકની નજીકમાં જ આવેલા બે શોપીંગ સેન્ટરની મોબાઈલ ફોનની દુકાનોમાં રાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરોએ શટરો ઊંચા કરી દઈને તેમાંથી લેપટોપ અને મોબાઈલ ફોન સહિત લાખોની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા, જેથી ચકચાર મચવા પામ્યો છે. આ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ઉમરેઠના બે શોપીંગ સેન્ટરની દુકાનોમાં ચોરીની ઘટના
- પોલીસ મથકની નજીક 2 શોપીંગ સેન્ટરની મોબાઈલ ફોનની દુકાનમાં ચોરી
- લેપટોપ અને મોબાઈલ ફોન સહિત લાખોની મત્તાની ચોરી
- ઉમરેઠ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
દુકાનોમાં થયેલી ચોરીની મળતી વિગતો અનુસાર, સોમવારે મધ્યરાત્રીના સુમારે રણછોડરાય શોપીંગ સેન્ટરમાં આવેલી પ્રમુખ મોબાઈલ શોપમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ શટરની વચ્ચે કોસ કે કોઈ વજનદાર વસ્તુ નાંખીને આખું શટર ઊંચુ કર્યુ હતું અને ત્યારબાદ દુકાનની અંદર પ્રવેશ કરી લેપટોપ અને મોબાઈલ ફોનની ચોરી કરી હતી.
નજીકમાં આવેલા પાલિકાના શોપીંગ સેન્ટરમાં આવેલી રોયલ મોબાઈલ શોપને પણ નિશાન બનાવી હતી. એ દુકાનમાંથી પણ મોબાઈલ ફોન સહિત કેટલીક ચીજવસ્તુઓની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. મંગળવારે સવારે જ્યારે દુકાનના માલિકો દુકાને આવ્યા દુકાનના શટર ઊંચા જોયા હતા, તેઓએ અંદર જઈ જોયુ તો બધો સામાન વેરવિખેર પડેલો હતો. જેથી દુકાનમાં તપાસ કરતાં લેપટોપ, મોબાઈલ ફોન વગેરેની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. ચોરીની ઘટનાની જાણ ઉમરેઠ પોલીસને કરવામાં આવી હતી. આથી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.