- અમદાવાદ-વડોદરા વચ્ચેના 103 કિલોમીટરના માર્ગને મળ્યો બેસ્ટ પ્રોજેક્ટનો એવોર્ડ
- નેશનલ હાઇવે નંબર 48ને મળ્યો એવોર્ડ
- હાઈવેમાં વાહન ચાલકો માટે સુવિધાઓ અને સલામતી પુરી પાડવામાં આવી છે
આણંદઃ જિલ્લામાંથી પસાર થતો 25 કિલોમીટર જેટલો નેશનલ હાઇવે નંબર 48 વાહનચાલકો માટે ખુબજ અનુકુળ છે. હાઈવે પર બનાવવામાં આવેલા મીડિયન(બે રોડ વચ્ચે ની જગ્યા) વાહનચાલકો માટે ખુબજ અનુકૂળ રહે છે, જેમાં હાઇવેની મધ્યમાં બોગનવેલના હારબંધ છોડ લગાવવામાં આવ્યાં છે, જેના કારણે રાત્રી દરમિયાન સામેથી આવતા સાધનોના લાઈટનો પ્રકાશ બીજા વાહનચાલકોને આંખમાં પડતો નથી, જેથી વહનચાલક અંજાઈ જતા નથી અને તેના કારણે અકસ્માત ખૂબ ઓછા થાય છે. સાથે જ હાઇવે હરિયાળો લાગે છે અને તેના કારણે પોલ્યુશન કંટ્રોલ પણ થાય છે. આ બોગનવેલની બનાવવામાં આવેલી વાડને સમય અંતરે કાપણી કરી વ્યવસ્થિત રાખવામાં આવે છે. જેના કારણે હાઈવે પર પસાર થતા વાહનોને નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે.
આ પણ વાંચોઃ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવેને ફર્સ્ટ રેન્કિંગ અપાયું
અમદાવાદથી વડોદરા વચ્ચેના હાઇવે પર કુલ 45 જેટલા CCTV પણ લગાવવામાં આવ્યાં
આ હાઇવે પર વાહન ચાલકોની સુરક્ષા માટે પણ યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું છે. જેમાં નિયત સ્થળો પર બિલિન્કર મુકવામાં આવ્યાં છે. સાથે જ પીળા રંગની ફ્લેશ લાઈટ મુકવામા આવી છે, જેથી રોડ પર આવેલા વણાંકની જાણકારી ચાલકને સરળતાથી મળી શકે છે. સાથે જ આખા હાઇવે પર સાઈન બોર્ડ પણ મુકવામાં આવ્યાં છે, જે માં હાઇવે પર આવતા દરેક ગામના બોર્ડ મારેલા છે. તે સિવાય અંતરના દિશા સૂચક બોર્ડ પણ ઠેરઠેર મારવામાં આવ્યાં છે, જે રેડિયમ બોર્ડ હોવાથી રાત્રે પણ વાહન ચાલક ને વાચવામાં સરળતા પુરી પાડે છે, તે સિવાય પણ કોઈ આપતીના સમયે હાઈવેના જવાબદાર કર્મચારીઓનો સંપર્ક કરી શકાય તે માટે હેલ્પલાઇન નંબરના બોર્ડ પણ મારવા આવ્યાં છે, અમદાવાદથી વડોદરા વચ્ચેના હાઇવે પર કુલ 45 જેટલા CCTV પણ લગાવવામાં આવ્યાં છે, જેનું 24 કલાક કન્ટ્રોલ રૂમમાંથી ઓબ્ઝર્વેશન કરવામાં આવતું હોય છે.
આ પણ વાંચોઃ દેશમાં માર્ગ નિર્માણના 888 પ્રોજેક્ટ્સ વિલંબમાં, કેટલાક પ્રોજેક્ટ્સ એક દાયકા બાદ પણ અધૂરા
10 બ્રિજ પણ બનાવવામાં આવ્યાં
આણંદ જિલ્લામાંથી પસાર થતા અંદાજિત 25 કિલોમીટર જેટલા નેશનલ હાઇવે નંબર 48માં અંડરપાસની સુવિઘા સાથેના 10 બ્રિજ પણ બનાવવામાં આવ્યાં છે, તમામ બ્રિજ પર રાત્રી દરમિયાન લાઈટની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, આ માર્ગ પર કોઈ પણ યુ ટર્નની સુવિધા નથી, કોઈ પણ વાહનને વળવા માટે બ્રિજની નીચે ના અંડરપાસથી જ વણાંક લેવો પડે છે, જેથી અકસ્માતની નહિવત સંભાવનાઓ રહે છે. હાઉવે પર રસ્તામાં રેડિયમ ઇન્ડિકેટર અને ઝીબ્રા પેંટિંગ કરેલા છે, જેથી વાહનચાલકોને માર્ગ પર વહન કરવામાં સરતા રહે છે.
ટોલ પ્લાઝા પાસે 3 થી 4 જેટલા હેલોજન ટાવર લગાવાયા
રોડ પર લગાવવામાં આવેલ બિલિન્કર પર સોલાર લાગેલા છે. સાથે જ હાઇવે પર આવતા ટોલ પ્લાઝા પાસે 3 થી 4 જેટલા હેલોજન ટાવર લગાવેલા છે અને હાઇવે પરના દરેક બ્રિજની નીચે હેલોજન અને ઘણી જગ્યાએ CCTV કેમેરા લગાવવામાં આવ્યાં છે.
વાહનચાલકો માટે અનેક સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી
નેશનલ હાઇવે નંબર 48 પર વાહનચાલકો માટે ઘણી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે, જેવી કે 24×7 બ્રેકડાઉન હેલ્પ સપોર્ટ કે જે મહત્વની ભૂમિકા ભજવે છે, જે વાહનમાં આવેલી આકસ્મિક સમસ્યા જેવી કે, પંચર, એન્જીન પ્રોબ્લેમ, પેટ્રોલ ખતમ થઈ જવું વગેરે પરિસ્થિતિમાં વાહનચાલકોની મદદમાં હાજર રહે છે, આ સિવાય હાઇવે પર આકસ્મિક પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સની પણ સુવિધા પૂરી પાડવામાં આવેી છે. હાઇવે પર હાઇવે ઓર્થોરિટી દ્વારા અવિરત હાઇવે પેટ્રોલિંગ વેન દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે, જેથી રોડનું અવિરત અવલોકન થાય છે અને રોડ વાહનચાલકો માટે સુરક્ષિત છે તે નિર્ધારિત કરવામાં આવે છે. ઘણા કિસ્સામાં રોડ પર કોઈ જાનવર મરી જાય તો તેને હટાવવું અને રોડ પર મેન્ટેનન્સ માટેની જાણકારી સંબંધિત વિભાગને પહોંચાડવી તે આ પેટ્રોલિંગ વાનની મુખ્ય કામગીરી રહે છે.
સુલભ શૌચાલય અને પીવાના પાણીની સુવિધાનો અભાવ
હાઇવે પર એક અંતરે વાહનચાલકો માટેની ઘણી સારી સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ હાઇવે પર પસાર થતા લોકો માટે સુલભ શૌચાલય અને પીવાના પાણીની સુવિધાનો અભાવ જણાઈ રહ્યો છે, જેથી આ હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોને અસુવિધાનો અનુભવ કરવો પડે છે. સાથે જ હાઈવે પર યુ ટર્નની સુવિધા ન હોવાથી ઘણા કિસ્સામાં વાહન ચાલકો રોંગસાઈડમાં પોતાના સાધનો ચલાવીને જોખમ ઉભું કરતા પણ નજરે પડ્યા હતા, તો હાઇવેની સાઈડમાં ઘણા નાના વ્યવસાયકારો દ્વારા દબાણો ઉભા કરીને રોજગારી મેડળવામાં આવી રહી હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યાં હતા, જ્યાં વાહન ચાલકો રોડ પર સાધનો પાર્ક પરી ખરીદી કરતા નજરે પડ્યા હતા, જે ગંભીર અકસ્માત સર્જે તેવી ભીતિ ઉભી કરે છે! માટે હાઇવે ઓર્થોરિટી દ્વારા આવા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે તેવી જરૂર જણાય રહી છે.