- વિદ્યાનગર પોલીસ અને આણંદ ગ્રામ્ય મામલતદાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી
- આણંદના જોળ ગામે સરકારી અનાજના જથ્થાની કાળા બજારી ઝડપાઇ
- સ્થાનિક નાગરિકોએ જાગૃતિ દાખવી સમગ્ર કૌભાંડ ખુલ્લું પાડ્યું
- વિશ્વ અન્ન દિવસે ગરીબોના હકનું અનાજ થતું હતું સગેવગે
- જોળ ગામના સરપંચ પર લાગ્યા ગંભીર આક્ષેપ
આણંદ : આણંદ જિલ્લાના જોળ ગામે અનાજનું ભંડાર ધરાવતા રણજીતસિંહ પરમારના પત્ની કીર્તિબહેન પરમારને મળેલ સરકારી અનાજના જથ્થાનું ગેર કાયદેસર રીતે સગેવગે થતી હોવાની બાતમી વિધાનગર પોલીસ ને મળી હતી. બાતમીને આધારે કરમસદ ખાતેથી અનાજ ભરેલી બોલેરો ગાડીને ઝડપી પાડીને અંદાજીત 35 જેટલા સરકારી અનાજના કટાને સગેવગે થતા પહેલા ઝડપી લીધા હતા. પોલીસે બોલેરો પિકઅપ સાથે બે શખ્સોની અટકાયત કરી આણંદ ગ્રામ્ય મામલતદારને જાણ કરી હતી. પકડાયેલી ગાડીના ડ્રાઇવર અને બાતમી આપનાર ગ્રામજનોના જણાવ્યા અનુસાર પકડાયેલો અનાજનો જથ્થો જોળ ગામના સરપંચ જગદીશભાઈ એ અન્ય સ્થળે મોકલવા જણાવ્યા હોવાની જાણકારી આપી હતી. સાથે જ આ જથ્થો જોળ ગામના સસ્તાં અનાજના ભંડાર ચલાવતા રણજીતસિંહ પરમારના ભંડાર માંથી ભર્યો હોવાનો ખુલાસો થતા પોલીસ અને મામલતદારની જુદીજુદી ટિમો દ્વારા જોળ મુકામે આવેલ રણજીતસિંહ પરમારના ભંડાર પર તાપસ હાથ ધરવામાં આવી હતી.
મસમોટા અનાજના કૌભાંડ પરથી પરદો ઉંચકાયો
આણંદ ગ્રામ્ય મામલતદાર અને પોલીસ સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરશે. કાર્યવાહીમાં પ્રથમ સ્થળ પર ભંડાર ચલાવતા પરમાર પરિવાર દ્વારા ખોટી દોરવણી કરી ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જે બાદ મામલતદાર અને પોલીસે ઝીણવટથી તપાસ કરતા મસમોટા અનાજના કૌભાંડ પરથી પરદો ઊંચક્યો હતો. મામલતદાર દ્વારા ભંડારના ગોડાઉનમાં હાજર સ્ટોક અને ઓનલાઇન બોલતા જથ્થાની ચકાસણી કરવામાં આવતા મોટા પ્રમાણમાં સરકારી અનાજમાં ગોટાળો જોવા મળ્યો હતો. તે જોતા તાપસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
સ્ટોકને સિઝ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે
મામલતદાર આર.બી.પરમાર ના જણાવ્યા અનુસાર, ગોડાઉન માંથી 2.000 કિલો જેટલા ઘઉં, 400 કિલો જેટલાં ચોખા, 70 લીટર જેટલું કેરોસીન સહિતના સ્ટોકમાં ગોટાળો જોવા મળ્યો હતો. સમગ્ર મામલે ગેરવ્યાજબી વહીવટી થયો હોવાની સંભાવના સાથે જિલ્લા પુરવઠા અધિકારીને એહેવાલ રજુ કરવામાં આવશે. તેમજ મળેલ સ્ટોકને સિઝ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, સમગ્ર ઘટનામાં ગોડાઉનના સંચાલક અને પરિવાર દ્વારા સતત તંત્રની કામગીરીમાં ગેરદોરવણી કરવામાં આવતી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તેમ છતાં આણંદ વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ પ્રકારના કડક પગલાં ભરવા સાથે તપાસમાં પણ ઢીલાશ રાખવામાં આવતી હોવાની ચર્ચાઓ એ વિસ્તારમાં વેગ પકડ્યો હતો.
સ્થાનિક નાગરિકોએ જાગૃતિ દાખવી સમગ્ર કૌભાંડ ખુલ્લું પાડ્યું
સમગ્ર અનાજ કૌભાંડમાં ગામનાંજ 10 જેટલા જાગૃત યુવાનોએ પોતાની નૈતિક ફરજ સમજી આણંદમાં ચાલતા હજારોના સરકારી અનાજના કાળા બજાર પર પ્રકાશ પાડ્યો હતો. જોળ ગામના જાગૃત નાગરિક મુકેશ વાઘેલાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, જોળ ગામમાં આ કૌભાંડ વર્ષોથી ચાલતું આવ્યું છે. જેમાં અનેક નાગરિકોના હકનું અનાજ આ ભંડાર સંચાલક દ્વારા સગેવગે કરીને પોતાની રાજકીય વગનો દૂર ઉપયોગ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથેજ બનાવ અંગે તંત્રને પુરાવા સાથે અવગત કર્યા હોવા છતાં જવાબદારને તંત્રના સત્તાધીશો દ્વારા છાવરવામાં આવતાં હોવાનો આક્ષેપ કર્યો હતો.
CCTV ના ફૂટેજ તપાસવા માટે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયા
સમગ્ર ઘટનામાં સ્થાનિક યુવાનોએ તંત્રને અપીલ કરી હતી કે, સરકારી ભંડારના ગોડાઉન વાળા સ્થળે લગાવવામાં આવેલ CCTV કેમેરાની ફૂટેજ ચકાસવામાં આવે. જેમાંથી સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાઈ શકે તેમ છે ત્યારે તંત્રના અધિકારીઓ અને પોલીસ દ્વારા પરીવાર ને CCTV ના ફૂટેજ ચેક કરવા માટે કંટ્રોલ રૂમ અને DVR અંગે પૂછપરછ કરતાં સચોટ જવાબ ન મળતા. અંતે ગોડાઉનની પાછળ આવેલ રૂમના દરવાજા ખોલાવતા પરિવારના એક તરુણ દ્વારા DVR તેની સ્કૂલ બેગમાં છુપાવેલ હોવાનું પોલીસે શોધી કાઢયું હતું. હવે પોલીસ તપાસના CCTV ના ફૂટેજ માંથી સમગ્ર કૌભાંડનું કારસ્તાન બહાર લાવશે તેવી સ્થાનિકોમાં આશા જાગી છે.
આ પણ વાંચો : કોરોનાને કારણે ભારતમાં હાથ ધોવાની પ્રક્રિયા વધી: યુનિસેફ
આ પણ વાંચો : રાજ્ય સરકારનો નિયમ : પતિ પત્ની સરકારી નોકરી કરતા હશે તો એક જિલ્લામાં કરી શકશે નોકરી