- અમૂલના સભાખંડમાં અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે યોજાઈ ચૂંટણી
- ચેરમેન પદ માટે રામસિંહ પરમારની સામે અન્ય કોઈએ ફોર્મ ન ભરાતા બિનહરીફ ચૂંટાયા
- વાઇસ ચેરમેન પદ માટે રાજેન્દ્રસિંહ પરમાર અને રાજેશ પાઠકે નોંધાવી ઉમેદવારી
આણંદઃ અમૂલના સભાખંડમાં શુક્રવારે સવારે 11 વાગ્યે અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટે ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણી અધિકારી તરીકે નિમાયેલા પ્રાંત અધિકારીએ ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી હતી. ત્યારે પ્રથમ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં રામસિંહ પરમારે ફોર્મ ભર્યું હતું. જોકે, તેમની સામે અન્ય કોઈએ ફોર્મ ન ભરાતા તેઓ બિનહરીફ થયા હતા. ત્યારબાદ વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
13 ડિરેક્ટર ઉપરાંત જિલ્લા રજિસ્ટર તેમજ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેને કર્યું મતદાન
જેમાં રાજેન્દ્રસિંહ પરમાર અને રાજેશભાઇ પાઠકે ઉમેદવારી નોંધાવી હતી. બે ઉમેદવાર થતાં મતદાન કરવાની ફરજ પડી હતી, જેમાં ચૂંટાયેલા 13 ડિરેક્ટર ઉપરાંત બે સહકારી કાયદા અનુસાર એક જિલ્લા રજિસ્ટર અને બીજા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેને મતદાન કર્યું હતું. આ તમામ 15 મતોને એક પેટીમાં સીલ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે સરકાર દ્વારા નિમાયેલા ત્રણ સરકારી પ્રતિનિધિઓનો મત બીજી પેટીમાં મૂકીને સીલ કરવામાં આવ્યા હતા. ચૂંટણી અધિકારી તરીકે નિમાયેલા પ્રાંત અધિકારીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરીને હાઇકોર્ટના નિર્દેશાનુસાર પરિણામની જાહેરાત કરી ન હતી.
ત્રણ સહકારી પ્રતિનિધિઓનો મુદ્દો હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાથી હાલ જાહેર નહી થાય પરિણામ
સરકાર દ્વારા નિમાયેલા ત્રણ સહકારી પ્રતિનિધિઓનો મુદ્દો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, જેની આગામી સુનાવણી ૨૪મી નવેમ્બરના રોજ હાઈકોર્ટના જજ બિરેન વૈષ્ણવ સમક્ષ યોજાનારી છે. જેથી પરિણામ જાહેર નહીં કરવામાં આવે. ૨૪ તારીખે હાઇકોર્ટમાં યોજાનારી સુનાવણી બાદ સત્તાવાર રીતે પરિણામ જાહેર કરવામાં આવશે, તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમૂલ ડેરીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને કર્યું મતદાન
અમૂલ ડેરીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને મતદાન કરતાં સહકારી ક્ષેત્રે હલચલ મચી હતી. એમડી તો ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવાની નોબત આવે તો પણ મતદાન પ્રક્રિયામાં ભાગ લેતા ન હતા. પરંતુ અમૂલના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ફેડરેશનમાંથી ચેરમેનના નામનો ઠરાવ કરવામાં આવ્યો હતો, જેથી તેઓએ શુક્રવારે યોજાયેલી વાઇસ ચેરમેનની ચૂંટણીમાં મતદાન કર્યું હતું.