ખંભાત: ખંભાત તાલુકાના કલમસર ગામે 9 જાન્યુઆરીના રોજ રાત્રી દરમિયાન યોજાયેલ ડાયરાના કાર્યક્રમમાં 12 આયોજકો સામે ખંભાત ગ્રામ્ય પોલીસે જાહેરનામા ભંગ બદલનો ગૂનો દાખલ કર્યો છે, ઉપરાંત મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્ર (Gathering A Crowd In Dayro) કરીને કોરોના મહામારીના નિયમ પાલનનો ભંગ કર્યા બાબતે પણ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કલમસરમાં રવિવારે લોકગાયક કિર્તિદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો,જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી.
ડાયરામાં ગાયક ઉપર ચલણી નોટોનો વરસાદ
ડાયરામાં ગાયક ઉપર ચલણી નોટોનો વરસાદ વરસાવ્યો હતો. જો કે એક તરફ કોરોનાના વધતા સંક્રમણને ખાળવા સરકાર દ્વારા નિયમપાલન સહિતના નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. જાહેર મેળાવડા સહિતના કાર્યક્રમો યોજવા પર નિયંત્રણ લાદવામાં આવે છે ત્યારે, સોશિયલ ડિસ્ટન્સ અને મોટાભાગે માસ્ક વિના ડાયરામાં લોકોની હાજરીએ સંક્રમણની ભીતિ વધારી હોવાની આશંકા પણ જાગૃતજનોએ વ્યકત કરી હતી.
ભીડભાડના દૃશ્યો સહિતના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ
જો કે કાર્યક્રમના બીજા દિવસ દરમિયાન કલમસરનો લોકડાયરો અને તેમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ વિના ઉમટેલ ભીડભાડના દૃશ્યો સહિતના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ (video went viral on social media) થયા હતા, જેથી ખંભાત રુરલ પોલીસ દ્વારા આ મામલે મોડી સાંજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પૂર્વ મંજૂરી વિના આયોજન કરવા બદલ ગૂનો દાખલ કરવામાં આવ્યો
કલમસરના શૈલેષભાઇ સિંઘા, દિલીપસિંહ એમ. સિંઘા, દિલીપસિંહ એફ.સિંધા, હરપાલસિંહ સિંઘા, વિનુભાઇ સિંઘા, હીતેન્દ્રસિંહ સિંઘા, ભાઇલાલ સિંધા, અજીતસિંહ સિંધા, કેશરીસિંહ સિંધા, દિલીપસિંહ જી. સિંધા, અજીતસિંહ સિંધા, અનિરુદ્વસિંહ સિંધા સામે કાર્યક્રમનું પૂર્વ મંજૂરી વિના આયોજન કરવા બદલ ગૂનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ઇપીકો કલમ 188, 269 તથા કોવિડ મહામારીની કલમ 51(બી) મુજબ ગૂનો દાખલ કરીને તપાસ હાથ ધર્યાનું જાણવા મળે છે.
આ પણ વાંચો:
ખંભાતની એક અનોખી શાળાઃ બાળ અદાલતમાં નેતાઓ પણ થાય છે હાજર
ખંભાળિયા ખાતે સોનલ માતાજીનાં 98માં જન્મોત્સવની ચારણ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી