- આશા બહેનો કોરોના મહામારી દરમિયાન નોંધનીય કામગીરી કરી રહી છે
- આજથી પ્રારંભ થયેલા કોરોના રસીકરણમાં આશા બહેનોને મળ્યું સ્થાન
- પેટલાદ ખાતે આશા બહેનોએ સરકારનો માન્યો આભાર
આણંદ : ગત દસ માસથી જ્યારે દેશ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યો છે. ત્યારે દેશના સરકારી તથા ખાનગી ક્ષેત્ર સાથે સંકળાયેલા ઘણા લોકોએ આગળ આવી દેશને આ મહામારીમાંથી ઉગારવા માટેના પ્રયત્નો કર્યા છે. ખાસ કરીને આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓ, સફાઇ કર્મીઓ તેમજ આશા વર્કર બહેનોએ કોરોના મહામારી સામેની લડત ખૂબ મોટો ફાળો આપ્યો છે. ત્યારે આજથી રાષ્ટ્રવ્યાપી શરૂ થયેલા કોરોના રસીકરણના પ્રથમ ચરણમાં ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ સાથે આશા બહેનોને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
આશા બહેનોએ વિનામુલ્યે કોરોનાની રસી આપવા બદલ સરકારનો આભાર માન્યો
આણંદ જિલ્લાના પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લામાં આશા બહેન તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને શનિવારના રોજ કોરોનાની રસી આપવામાં આવી હતી. પ્રથમ પંક્તિના કોરોના યોદ્ધામાં આશા બહેનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે કારણે તેમને શનિવારના રોજ કોરોના રસી આપવામાં આવી છે. ત્યારે આણંદ જિલ્લાની આશા બહેનોએ વિનામુલ્યે કોરોનાની રસી ઉપલબ્ધ કરી આપવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.