- અમદાવાદમાં બે દિવસ માટે કરફ્યૂ
- અમદાવાદના કોરોના સંક્રમિત દર્દીઓને કરમસદ હોસ્પિટલમાં ખસેડાયા
- અમદાવાદમાં હોસ્પિટલમાં બેડ ખાલી નથી : સગા
આણંદ : રાજ્યનું ધબકતું શહેર અને આર્થિક પાટનગર એટલે અમદાવાદ. આ અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને કારણે 2 દિવસ માટે કરફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. શહેરમાં કરફ્યૂ લાગુ કરીને તંત્ર દ્વારા સંક્રમણની ચેન તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ શહેર અને આસપાસના વિસ્તારોમાં દિવાળી બાદ અચાનક કોરોના સંક્રમણમાં ભયજનક વધારો થયો છે.
કરમસદ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં કોરોના દર્દીઓને 108 અને 104ની એમ્બ્યુલન્સ મારફતે લવાયા
અમદાવાદમાં વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને શનિવાર બપોર બાદ આણંદની કરમસદ હોસ્પિટલમાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં કોરોના દર્દીઓને 108 અને 104ની એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા હતા. કોરોનાની ઝપેટમાં આવી ગયેલા દર્દીઓને કરમસદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા દર્દીઓ સાથે તેમના સગા પણ કરમસદ હોસ્પિટલમાં આવ્યા છે. કોરોના સંક્રમિત થયેલા દર્દીની ચિંતામાં કરમસદ હોસ્પિટલમાં આવેલા સગાઓએ અમદાવાદમાં કોવિડ હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાની ચોંકાવનારી વાત જણાવી હતી. આ સાથે જ અમદાવાદથી 70 કિલોમીટર દૂર દર્દીને દાખલ કરવામાં આવતા તંત્રની વ્યવસ્થાઓ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
કરમસદ હોસ્પિટલમાં કરવામાં આવી સારવારની વ્યવસ્થા
એક તરફ અમદાવાદ શહેરમાં કરફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે અને બીજી તરફ દર્દીઓને શહેર બહાર કોરોનાની સારવાર માટે ખસેડવામાં આવતા દર્દી સાથે શહેર બહાર આવેલા સગાઓ માટે 'જાયે તો જાયે કહા' જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ કરમસદ મેડિકલ ખાતે 100 જેટલા આધુનિક સુવિધાઓથી સજ્જ બેડને અમદાવાદના દર્દી માટે તૈયાર કરવામાં આવ્યા આવ્યા હોવાની જાણકારી સામે આવી છે. બીજી તરફ અમદાવાદ આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આણંદ જિલ્લાના અન્ય કોવિડ કેર સેન્ટરોમાં પણ જરૂર જણાય તો બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. હાલ ફક્ત કરમસદ મેડિકલ કોલેજ ખાતે આવેલા કોવિડ સેન્ટરમાં અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે.
અમદાવાદમાં કોવિડ હોસ્પિટલમાં બેડની અછત
ETV BHARAT દ્વારા અમદાવાદથી કરફ્યૂ વચ્ચે કરમસદ સારવાર માટે લાવવામાં આવેલા કોરના દર્દીઓની સાથે આવેલા સગા સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં સગાએ અમદાવાદમાં કોવિડ હોસ્પિટલમાં બેડની અછત સર્જાઈ હોવાનું જણાવ્યું છે. આ સાથે જ સગાઓએ શહેરમાં લાગુ કરફ્યૂ અને શહેર બહાર આપવામાં આવતી સારવાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી.