આણંદઃ વિશ્વમાં ભારત એક એવો દેશ છે જે તેના ઉત્સવો અને તહેવારો માટે પ્રચલિત છે. ભારતમાં ઉત્સવો તો ઉજવાય છે, સાથે અહીં પ્રસંગ ઉજવણી પણ એટલા જ પ્રચલિત છે.
ભારતમાં લગ્ન જન્મદિવસ, વર્ષગાંઠ, શ્રીમંત, સગાઈ, મહેંદી,જેવા અનેક પ્રસંગો પણ ઉજવવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં સગાસંબંધી આવી ખુશીઓમાં સામેલ થઈ ભેટસોગાદ આપવાનો રિવાજ વિશ્વપ્રચલિત છે. આ મેળાવડામાં ભેગા થતાં લોકો સામાજિક રીતે જોડાયેલાં રહેતાં હોય છે, જેમાં સોશિયલ ગેધરિંગ થવું સામાન્ય વાત છે. જેના કારણે ભારતમાં આ એક વ્યવસાય બની ચૂક્યો છે જેમાં ઘણાં લોકો રોજગારી મેળવે છે. પરંતુ કોરોના વાઇરસના કારણે પ્રસંગોની ઉજવણીમાં રોક લાગી ગઈ છે. આ વ્યવસાય સાથે જોડાયેલાં ઘણાં લોકો માટે આ પરિસ્થિતિ ચિંતાનો વિષય બની ગયો છે.
પ્રસંગોમાં સર્વિસ આપતાં ઘણા વ્યવસાય વિકસ્યાં હતાં. જેમાં પાર્ટી પ્લોટ, કેટરિંગ, ડેકોરેશન, આતિષબાજી, ટ્રાન્સપોર્ટ, દાડિયા મજૂર, લાઇટિંગ, વગેરે મળી હોસ્પિટાલિટી સેક્ટર ઉભું થયું છે. જે કોરોના લૉકડાઉનના કારણે પડી ભાગ્યું છે. સાંસ્કૃતિક વારસાને સાચવી રાખી પ્રસંગોમાં યજમાનનું કામ ઓછું કરતી આવી એજન્સીઓના કારણે ભારતીય પ્રસંગ કદાચ આટલાં પ્રચલિત બન્યાં હશે તેમ કહી શકાય. ત્યારે દેશની ઓળખ બનેલી આ હોસ્પિટાલિટી સેક્ટર હાલમાં અંધકારમાં ધકેલાઈ ગયું છે. કોરોનાના ચેપને રોકવા સોશિયલ ડિસ્ટન્સિંગ આવશ્યક છે માટે આગામી દિવસોમાં પણ પ્રસંગોની ધામધૂમથી જાજરમાન ઉજવણીની શક્યતાઓ નજીકના સમયમાં નહિવત દેખાય છે. ત્યારે ETV Bharat દ્વારા આ સેક્ટર સાથે સંકળાયેલા કેટલાક નિષ્ણાત સાથે વાત કરવામાં આવી હતી. આવો જાણીએ કે તેઓ શું કહી રહ્યાં છે.
દેશના અર્થતંત્રમાં આ સેક્ટરનો ઘણો મોટો ફાળો હોય છે, જે કોરોનાના કારણે મૃતપ્રાય બન્યો છે ત્યારે સરકાર આ સેકટરને બચાવવા કોઈ નક્કર પગલાં લે તેવી માગ છે, જેથી ઉત્તર કોરોનાકાળમાં દેશમાં સામાજિક ઉત્સવો પુનઃ હર્ષોલ્લાસથી ઉજવાય. હવે જોવું રહ્યું કે આ સેકટરના પુનઃ શ્રીગણેશ ક્યારે થાય છે.
આણંદથી યશદીપ ગઢવીનો વિશેષ અહેવાલ