- 50 વર્ષ બાદ આણંદ જિલ્લામાં બનશે શ્રી કમલમ
- આણંદના નાવલી ખાતે બનશે આધુનિક કાર્યાલય
- જિલ્લા પ્રમુખ વિપુલ પટેલે કર્યું ખાતમુહૂર્ત
- વાતાવરણના કારણે પ્રદેશ પ્રમુખ કાર્યક્રમમાં રહ્યા ગેરહાજર
આણંદ : જિલ્લાના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ વિપુલ પટેલના હસ્તે શુક્રવારે આણંદ જિલ્લાના નાવલી ગામ પાસે આવેલા અંધારિયા ચાર રસ્તા ખાતે આધુનિક ભારતીય જનતા પાર્ટી કાર્યાલયનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગમાં ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સુરતથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના હતા, પરંતું અનિવાર્ય સંજોગોને કારણે તેમને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા.
![શ્રી કમલમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-bjp-district-office-construction-avb-7205242_21012021175036_2101f_02818_74.jpg)
1.75 કરોડ જેટલી મોટી રકમનું મળ્યું દાન
શ્રી કમલમ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય આણંદ જિલ્લામાં નિર્માણ પામશે. જે માટે જિલ્લા પ્રમુખ વિપુલ પટેલ દ્વારા ગણતરીના જ દિવસોમાં શ્રી કમલમના નિર્માણ કાર્ય માટે 1.75 કરોડ જેટલી દાનની રકમ એકત્રિત કરવામાં આવી હતી.
વાતાવરણ સાફ ન રહેતા પ્રદેશ પ્રમુખનો હવાઈ સફર રહ્યો મોકૂફ
આણંદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ સુત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ સુરતમાં હવામાન સાફ ન હોવાને કારણે સી. આર. પાટીલની હવાઈ માર્ગે થનારો પ્રવાસ શક્ય બન્યો ન હતો. જે કારણે તેમને આણંદ જિલ્લાની મુલાકાતે આવી શક્યા ન હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં કાર્યકરો અને પાર્ટી સમર્થકોમાં પ્રદેશ પ્રમુખની સાથેની મુલાકાત શક્ય ન બનતા કાર્યકરોને હતાશ થઈને ઘરે પરત ફરવું પડ્યું હતું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઐતિહાસિક જીત અપાવી પ્રદેશ પ્રમુખને આમંત્રિત કરી શુ:વિપુલ પટેલ
પ્રદેશ પ્રમુખનો આવવાનો કાર્યક્રમ મોકૂફ રહેતા જિલ્લા પ્રમુખ વિપુલ પટેલ દ્વારા ખાતમુહૂર્તની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અચાનક વાતાવરણના કારણે સી. આર. પાટીલ ઉપસ્થિત ન રહી શક્યા અંગેનું દુઃખ વ્યક્ત કરી તેમને કાર્યકરોને પ્રોત્સાહિત કરતા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને આણંદ જિલ્લામાં ઐતિહાસિક જીત આપવી તેની ઉજવણીમાં પ્રદેશ પ્રમુખને આણંદ જિલ્લાના મહેમાન બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું. આ સાથે શ્રી કમલમના નિર્માણ માટે ખુલ્લા હાથે દાનની સરિતા વહાવનારા દાનવીરોનો આભાર માન્યો હતો.
મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ રહ્યા ઉપસ્થિત
આ પ્રસંગે પ્રદેશ આગેવાન ભાર્ગવ ભટ્ટ(ગુજરાત પ્રદેશ મહામંત્રી), પ્રદીપસિંહ વાઘેલા (મહામંત્રી ગુજરાત પ્રદેશ) સહિત આણંદ જિલ્લા સાંસદ મિતેશ પટેલ, વડોદરાના સાંસદ રંજન, પંકજ દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.