રાધા બહેનને પોતાની કલમથી કંડારેલી કવિતા...
"હે આઈના તુ મેરા,મે પહેચાન તેરી
તુ દિયા મેરા, મે રોશની તેરી
તુ આરજુ મેરી, મે જુસ્તજુ તેરી
તું જાન મેરી,મે જોગન તેરી"
આવી અનેક રચનાઓ રાધાએ કલમ થકી કાગળ પર ઉતારી છે. આણંદ જિલ્લામાં રહેતી બે સગી બહેનો જેમાં નાની બહેન ચિત્રો બનાવે છે તો મોટી બહેન આગવી શૈલીથી તેને કવિતામાં ઉતારે છે. આમ, રંજન ભોઈએ નાની બહેન રાધાને મનગમતાં અભ્યાસ અને કલામાં પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.
આધુનિક વિચારસરણી ધરાવતી બહેનોને માતા-પિતાએ દીકરીનો ઉછેર દીકરાની જેમ કર્યો છે. નાની બહેન રંજનને પહેલેથી જ કલામાં રસ હતો. તેમાં તેના માતા-પિતાએ પ્રોત્સાહન પૂરું પાડી કલાને આગળ વધારવા તેને ધોરણ 10ના અભ્યાસ બાદ ફાઇનલમાં પ્રવેશ અપાવ્યો હતો. ત્યાં તેને એપ્લાઇડ આર્ટની પદવી સાથે અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ સ્કલ્પચરમાં ડિપ્લોમાં અભ્યાસ કર્યો હતો.
રંજન પોતાના ચિત્રોને 'જાન'નામથી સંબોધે છે. તેણે અત્યાર સુધી ઘણાં બધા ગ્રુપ અને સોલો પેઇન્ટિંગ પ્રદર્શન કર્યા છે. જેમાં વર્ષ 2012માં રવિશંકર રાવલ કલાભવન અમદાવાદ,વર્ષ 2013માં શિવમ નેશનલ પ્રદર્શન, વર્ષ 2015માં ઓલ ઇન્ડિયા આર્ટ પ્રદર્શન પટીયાલા, અને વર્ષ 2019 માં ઓલ ઇન્ડિયા લોકમાન્ય તિલક એન્ડ બેરિસ્ટર આર્ટ પ્રદર્શન વગેરેનો સમાવેશ થાય છે. તેમણે તાજેતરમાં જ મહારાષ્ટ્રના પુણે ખાતે આર્ટ ગ્રુપ દ્વારા આયોજિત પેઇન્ટિંગ પ્રદર્શનમાં દેશમાંથી માત્ર ત્રણ ચિત્રકારોના ચિત્રો પ્રદર્શિત કરાયા હતા. તેમાં રંજનના ચિત્રોને સ્થાન મળ્યું હતું , જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે.
રંજન 'જાન'ને અત્યાર સુધી અનેક પુરસ્કારો પણ પ્રાપ્ત થયા છે. જેમાં વર્ષ 2014માં અવંતિકા પેન્ટિંગ કોમ્પિટીશનમાં સિલ્વર મેડલ, વર્ષ 2015માં અવંતિકા પેઇન્ટિંગ કોમ્પિટીશનમાં ગોલ્ડમેડલ, વર્ષ 2018 માં સરસ્વતી કલા મંચ સ્પોર્ટ પેન્ટિંગ કોમ્પિટીશન જયપુર ખાતે પણ તેમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે.
રંજનની મોટી બહેન રાધા ભોઈ પણ કલાપ્રેમી છે. જે પોતાની રચનાઓને 'જોગન' તરીકે ઓળખાવે છે. M.A BED કર્યા બાદ LLMનો પણ અભ્યાસ કર્યો છે. હાલમાં જિલ્લા કક્ષાએ તથા હાઈકોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરી રહ્યા છે. પણ તેમને સાહિત્યમાં રસ હોવાથી વકીલાતની સાથે-સાથે લેખનમાં પણ રસ ધરાવે છે. અત્યાર સુધી અનેક ટૂંકી વાર્તાઓ, લેખ, કવિતા, ગીત તથા નવલકથા પર પોતાની કલમ અજમાવી છે. બંને બહેનો જાણે એકબીજાની પૂરક છે, વર્ષ 2013માં અમદાવાદ ખાતે રવિશંકર રાવળ કલા ભવનમાં યોજાયેલ એક્ઝિબિશનમાં બન્ને ગરિમાઓ કલાજગતમાં એક સાથે જોવા મળ્યાં હતાં. રંજનના ચિત્રો પર રાધાની કવિતાઓ પ્રસ્તુત કરવામાં આવી હતી.
આમ આણંદ,વલ્લભવિદ્યાનગરમાંથી ઉભરતી આ બંને કલાકારોએ માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પોતાની પ્રતિભાને નવુ શીખર અપાવ્યું છે. મહારાષ્ટ્રના પૂના ખાતે આયોજિત પ્રદર્શનમાં સમગ્ર દેશમાંથી જ્યારે માત્ર ત્રણ ચિત્રકારને સ્થાન મળવાનું હતું. તેમાં રંજનના ચિત્રોએ વિશેષ સ્થાન મેળવ્યું હતું. ચિત્ર કલા જગતના ઉચ્ચ કક્ષાના વિવેચકો દ્વારા રંજનના ચિત્રોની પ્રશંસા કરવામાં આવી હતી. તો રંજનની મોટી બહેન રાધા 'જોગન' દ્વારા તેમની આગવી શૈલીમાં એક પંક્તિ રજૂ કરવામાં આવી હતી. આ રીતે બંને બહેનો પોતાની કલામાં જીવ રેડીને ગુજરાતનું નામ રોશન કરી રહી છે.