મોરબી : અણીયારી ગામની સીમમાંથી મળી આવેલ હાડપિંજર બાબતે તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી. જે હત્યાના ગુનામાં સંડોવાયેલા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અણીયારીની સીમમાં મળ્યો મૃતદેહ : ગત 25-08-2024 ના રોજ અણીયારી ગામની સીમમાંથી અજાણી સ્ત્રી અથવા કિન્નર જેવી વ્યક્તિનું મૃત્યુ થતા હાડપિંજર કોહવાયેલ ગયેલ હાલતમાં મળી આવ્યું હતું. મૃતક રાજસ્થાનના સંજય મોહનભાઈ મહવઈ હોવાનું ખુલતા પરિવારનો સંપર્ક કરી પત્નીની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી.
હત્યાના બે આરોપી ઝડપાયા : પોલીસે અલગ અલગ ટીમો બનાવી ઊંડાણપૂર્વક તપાસ કરતા હત્યાને અંજામ આપનાર બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. આરોપી સુરેન્દ્રનગરમાં લખતરના રહેવાસી રવિ દેવજીભાઈ ગાબુ અને સુરેશ બબાભાઈ ગોરૈયા છે. પોલીસની પૂછપરછમાં બંને આરોપીએ હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. મોરબી તાલુકા પોલીસે બંને ઇસમોને ઝડપી લઈને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
આરોપીઓએ કરી ચોંકાવનારી કબૂલાત : મૃતક સંજયભાઈ મહવઈ માળીયા હળવદ હાઈવે પર અણીયારી ગામની સીમ પાસે કિન્નરનો વેશ ધારણ કરી પૈસા માંગતા હતા. બંને આરોપીઓએ ખેતરમાં લઇ જઈને બીભત્સ માંગણી કરતા મૃતક સાથે બોલાચાલી ઝઘડો થયો હતો. આરોપીઓએ મૃતકના પેટના ભાગે છરીના ઘા મારી હત્યા કરી હતી.