જુનાગઢ: વર્ષ 2024 પૂર્ણતાને આરે છે અને વર્ષનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર પોતાના અંતિમ તબક્કામાં છે. શિયાળાની ઠંડીના આ દિવસો દરમિયાન મોટા ભાગના પ્રવાસીઓ ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં વર્ષની વિદાય સાથે પર્યટન સ્થળો પર ઉજવવા માટે આવતા હોય છે.
નવા વર્ષને વેલકમ કરવા અને વીતેલા વર્ષને બાય બાય કહેવા માટે પણ પ્રવાસીઓ પર્યટન સ્થળો પર ઉમટી પડતા હોય છે, ત્યારે સાસણ સફારી પાર્ક, એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપવે, દેવળીયા સફારી પાર્કની સાથે ગિરનાર નેચર સફારી અને ઉપરકોટનો કિલ્લો જોવા માટે જુનાગઢ અને ગીરપંથકમાં આ દિવસો દરમિયાન પ્રવાસન ગતિવિધિ ધમધમતી જોવા મળશે.
ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસો પ્રવાસન સમય
દર વર્ષની માફક આ વર્ષે પણ ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસો પ્રવાસનના દિવસો તરીકે ઓળખવામાં આવે છે, 15મી ડિસેમ્બર થી લઈને 31મી ડિસેમ્બર દરમિયાન આવતી નાતાલ અને નવા વર્ષને વેલકમ કહેવા માટે છેલ્લાં ઘણા વર્ષોથી ગીરના પર્યટન સ્થળો પર ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર દેશ અને દુનિયામાંથી પ્રવાસીઓ આવતા હોય છે.

સાસણ સફારી પાર્ક, એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપવે, ગિરનાર નેચર સફારી પાર્ક, સક્કબાગ પ્રાણી સંગ્રહાલય અને ઉપરકોટનો કિલ્લો પાછલા કેટલાક વર્ષોથી ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસો અને ખાસ કરીને 25મી ડિસેમ્બર થી લઈને 31મી ડિસેમ્બરના આ અઠવાડિયામાં પ્રવાસન ગતિવિધિ થી ધમધમતા જોવા મળશે.

તમામ પર્યટન સ્થળો રેલ અને રોડ માર્ગે જોડાયેલા
ગીરમાં આવેલા તમામ પર્યટન સ્થળો રોડ અને રેલ માર્ગે જોડાયેલા છે. જૂનાગઢમાં આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય કે જ્યાં સમગ્ર દુનિયામાં જોવા મળતા પશુ-પક્ષી અને પ્રાણીઓ રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ એશિયાના સૌથી લાંબા ગિરનાર રોપવે પણ હવે પ્રવાસીઓમાં અને ખાસ કરીને જે પ્રવાસીઓ એડવેન્ચર પ્રવાસનની મજા માણવા માટે ઉત્સુક છે, તેના માટે ખાસ બની રહેશે.

પ્રવાસીઓની પસંદગીનું કેન્દ્ર: આ સિવાય હજારો વર્ષ પૂર્વે બનેલો ઉપરકોટનો કિલ્લો આજે રાજા રજવાડાઓની અસલ ઓળખ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે, તો જે લોકો પ્રકૃતિને માણવા માટે ખૂબ જ તલપાપડ હશે, તેવા તમામ લોકો માટે ગિરનાર નેચર સફારી પણ એક પર્યટન સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. તો સાસણમાં એશિયામાં એકમાત્ર જોવા મળતા જંગલના રાજા સિંહને જોવા માટે પણ પ્રવાસીઓ આવી રહ્યા છે. આ ઉપરાંત અહીં અન્ય એક સફારી પાર્ક કે જેમાં સિંહ સહિત અન્ય જીવ સૃષ્ટિ જોવા મળે છે તે દેવળિયા સફારી પાર્ક પણ પ્રવાસીઓની પસંદગીનું કેન્દ્ર બની રહે છે.

આ રીતે પહોંચી શકો છો ગીરના પર્યટન સ્થળો પર
ગીરમાં આવેલા પર્યટન સ્થળો પર રેલવે, રોડમાર્ગે અને હવાઈ માર્ગે પણ કોઈપણ પ્રવાસી પહોંચી શકે છે, સૌથી નજીકના રેલ્વે સ્ટેશન તરીકે જુનાગઢ અને સોમનાથ આવેલા છે. આ બંને રેલવે સ્ટેશન મોટાભાગના રાજ્યો સાથે રેલ વ્યવહારથી જોડાયેલા છે, તો જે પ્રવાસીઓ રોડ મારફતે ગીરના પર્યટન સ્થળો સુધી પહોંચવા માંગે છે તે તમામ પ્રવાસીઓ રોડ મારફતે જોડાયેલા તમામ પર્યટન સ્થળો પર પહોંચી શકે છે.

આ ઉપરાંત નજીકના હવાઈ મથકોમાં રાજકોટ અને કેશોદનું હવાઈ મથક પ્રવાસીઓ માટે વિકલ્પ બની શકે છે. સાસણ અને જુનાગઢથી એકદમ નજીક આવેલા કેશોદ હવાઈ મથક પર રવિ,બુધ અને શુક્ર એમ ત્રણ દિવસ માટે અમદાવાદથી વિમાની સેવા પણ કાર્યરત છે. આ સિવાય નજીકના રાજકોટ હવાઈ મથકેથી પણ દેશમાંથી પ્રવાસીઓ વિમાન માર્ગે પહોંચી શકે છે, અહીંથી તેઓ સરળતાથી 200 કિલોમીટરના અંતરે આવેલા ગીરના આ તમામ પર્યટન સ્થળો રોડ માર્ગે પણ પહોંચી શકે છે.