આણંદ: LCBની ટીમ ઉમરેઠ ખાતે પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે એક સીએનજી રીક્ષા ઉમરેઠ રોડ પરથી પસાર થતાં પોલીસે તેને શંકાને આધારે અટકાવીને તલાશી લેતા સીટની પાછળ વિમલના થેલામાંથી વિદેશી દારૂના ક્વાર્ટરીયા તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા.
આ મામલે પકડાયેલા બન્ને શખ્સોને વિદેશી દારૂની હેરાફેરી કરવાની પરમીટ માંગતા તેઓની પાસે નહીં હોવાનું જણાવ્યું હતુ. બન્નેના નામઠામ પૂછતાં તેઓ આણંદની સામરખા ચોકડી નજીક રહેતા કમલેશ ઉર્ફે કમુ પાંગળાભાઈ ડામોર અને પ્રકાશ ઉર્ફે ટીનો નાથુભાઈ મારવાડી હોવાનું સામે આવ્યું હતુ. પકડાયેલા વિદેશી દારૂના જથ્થાની ગણતરી કરતાં 185 ક્વાર્ટરીયા તેમજ 95 બિયરના ટીન થઈને કુલ 63 હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
જેમાં પોલીસે 28 હજારના વિદેશી દારૂ, મોબાઈલ ફોન તેમજ રીક્ષા સાથે કુલ 63500નો મુદ્દામાલ જપ્ત કરીને બન્નેની પુછપરછ કરતાં મુળ દાહોદનો પરંતુ હાલમાં આણંદના ત્રીકમનગર ખાતે રહેતો અને વિદેશી દારૂનો વેપાર કરતા વિજય ઉર્ફે વખલો તુરસીંગ ડામોરે ભરી આપ્યો હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે ત્રણેય વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.