આણંદઃ આણંદમાં ઉમરેઠના ઓડ બજારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના દરવાજા પાસે શનિવારે કેટલીક ચલણી નોટો પડી હોવાની વાત બજારમાં વહેતી થઈ હતી. કોઈ શખ્સે આ નોટો કોરોના વાઇરસ ફેલાવવા માટે ફેંકી હોવાની વાત ફેલાતા લોકોમાં ભયની લાગણી પ્રસરી હતી. જો કે અંતે પોલીસ તપાસમાં સમગ્ર ઘટના અફવા હોવાનું બહાર આવતા નગરજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ ઘટનાની જાણ ઉમરેઠ પોલીસને થતાં પીએસઆઈ સોઢા પોલીસ જવાનો સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઘટનાની તપાસ કરતા ચલણી નોટો રોડ ઉપર પડેલી જોવા મળી હતી. જેથી નજીકમાં આવેલા મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા મંદિરના દરવાજા બહાર આવેલા એક ગલ્લાના માલિક દ્વારા વેપાર બાદ પોતે ઘરે જતી વખતે પૈસા એક થેલીમાં રાખવા જતા કેટલીક નોટો પડી ગઇ હોવાનુ બહાર આવ્યું હતું. જેથી આ શખ્સની તપાસ કરતાં આ શખ્સનુ નામ મનોજકુમાર શેઠ હતું. તેની અટકાયત કરીને ચલણી નોટો અંગે પૂછપરછ કરતાં આ નોટો તેનાથી પડી ગઇ હતી તેમ તેણે ખુલોસો કર્યો હતો. પોલીસે લોકડાઉનમાં વેપાર-ધંધો નહીં કરવા તેમજ ઘરમાં રહેવા જાહેરનામુ અમલમાં હોવા છતાં મનોજકુમાર દ્વારા પોતાનો ગલ્લો ચાલુ રાખીને છૂટક ધંધો કર્યો હોય તેમના વિરૂધ્ધ 188 મુજબ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.