- આણંદ જિલ્લા ભાજપ દ્વારા સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું
- કોવિડના દર્દીઓ અને સગા માટે ભોજન અને ચા-નાસ્તાની સેવા શરૂ કરી
- જિલ્લાની સૌથી વધુ કોવિડ બેડ ધરાવતી હોસ્પિટલ બહાર ઉભું કરવામાં આવ્યું કેન્દ્ર
આણંદ: જિલ્લામાં કોરોના મહામારી દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે, કરમસદની શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં સૌથી વધારે વેન્ટિલેટર અને ઓક્સિજન બેડની સુવિધા જોવા મળી રહી છે. અહીં મોટી સંખ્યામાં દર્દીઓનો ધસારો રહેતો હોય છે. જેના કારણે, આણંદ સહિત અન્ય જિલ્લામાંથી પણ દર્દીઓ અહીં સારવાર માટે દોડી આવતા હોય છે. કોરોનાની બીજી લહેરમાં દર્દીઓની સંખ્યામાં નોંધાયેલા વધારાના કારણે ઘણા લોકોને સારવાર મેળવવા લાંબી લાઈનોમાં કલાકો સુધી રાહ જોવી પડે છે. જેથી, દર્દીઓ અને તેની સાથે આવેલા સગાઓને ઘણી તકલીફ પડે છે. જેના નિવારણ માટે કરમસદ ભાજપ સંગઠન અને આણંદ જિલ્લા ભાજપ દ્વારા કરમસદ મેડિકલ બહાર સહાયતા કેન્દ્ર ઉભું કર્યું છે.
આ પણ વાંચો: આણંદ અને નડિયાદ સિવિલમાં અમુલ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરશે
જરૂરીયાત વાળા લોકોને મદદ માટે કેન્દ્ર
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ઘણી વખત દર્દી સાથે આવેલા સગાઓને હોસ્પિટલ બહાર ચા-નાસ્તા અને જમવાની ઘણી મુશ્કેલી પડતી હોય છે. તેના નિરાકરણ માટે જિલ્લા ભાજપ પરિવાર અને કરમસદ ભાજપ સંગઠન દ્વારા એક સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેથી, જરૂરીયાત વાળા લોકોને મદદ પુરી પાડી શકાય. આ ઉપરાંત, આણંદ જિલ્લાના સાંસદ મિતેશ પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલા હેલ્પલાઇન નંબર અને દર્દીઓને બેડ, ICU બેડ અને વેન્ટિલેટર શોધવામાં સહાયતા પુરી પાડવામાં આવે છે. આ દરમિયાન, જિલ્લા સંગઠનના હોદેદારો સાથે પૂર્વ સાંસદ દિલીપ પટેલ અને કરમસદ શહેર સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: આણંદ જિલ્લામાં સૌપ્રથમ વખત 24 કલાકમાં કોરોનાના 78 કેસ સામે આવ્યા