આણંદ: અમુલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી માટે તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લામાંથી 12 બેઠકો પર ચૂંટણી સંગ્રામ જામશે. અમુલ ડેરીના 1214 જેટલા ડેરી મંડળીઓના પ્રતિનિધિ, નિયામક મંડળના પ્રતિનિધિ માટે આગામી 29 ઓગસ્ટના દિવસે મતદાન કરશે. યોગ્ય રીતે ચૂંટણીનું આયોજન થાય તે માટેની તમામ વ્યવસ્થાની જવાબદારી આણંદ પ્રાંત અધિકારીના શિરે છે.
આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લામાંથી 1214 જેટલી દૂધ મંડળીના પ્રતિનિધિઓ 12 ડિરેક્ટરો માટે મતદાન કરશે. ત્યારે આણંદ પ્રાંત અધિકારી જે સી દલાલે ETV BHART સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કોરોના કહેર વચ્ચે અમુલ ડેરીમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી સરકારી નિયમોનું ચુસ્ત પાલન થાય તે રીતનું આયોજન થશે. આ સાથે જ આ ઇલેક્સનમાં મતદાન માટે આવેલા નામ અંગેની 32 જેટલી વાંધા અરજીઓ આવી છે. જેના પર હાલમાં સુનાવણી ચાલી રહી છે. જેનો નિકાલ કરી 5 ઓગસ્ટ સુધી ફાઇનલ યાદી જાહેર કરી દેવામાં આવશે. આ સાથે જ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અમુલ ડેરીની ચૂંટણી તાલુકા કક્ષાએ યોજવા પણ એક અરજી આવી હતી જેથી કોરોના સંક્રમણનો ખતરો ઘટાડી શકાય, પરંતુ સહકારી ચૂંટણીના નિયમ અનુસાર તે શક્ય ન હોય તે અરજી ફગાવી દેવામાં આવી છે.
અમુલ ડેરીની ચૂંટણીમાં રાજકારણ વધુ સક્રિય બની રહ્યું છે, હાલ અમુલ ડેરીના ચેરમેન પદ પર રામસિંહ પરમાર હતાં. સાથે તેઓ GCMMFના પણ ચેરમેન પદે હતાં, પરંતુ હાલમાં જ 23 જૂલાઈના દિવસે ગુજરાત કો-ઓપરેટીંગ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચૂંટણીમાં જે પ્રમાણે ફેરફાર આવ્યા તે પરથી હવે રામસિંહ પરમારની સત્તા પર જોખમ વધુ ઉભું થતું નજરે પડે છે.
આગામી 29 ઓગસ્ટના રોજ યોજાશે અમુલની ચૂંટણી રામસિંહ પરમાર કૉંગ્રેસ પક્ષથી નારાજ બની ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને તેના ફળ સ્વરૂપ GCMMFના કરોડો રૂપિયાના વહીવટ કરવા ચેરમેન પદ મળ્યું હતું, જે હવે શામળજીને સોંપાઈ ગયું છે. બીજી તરફ અમુલ ડેરીની મહત્તમ બેઠકો પર કૉંગ્રેસનો દબદબો વધુ છે, ત્યારે અમુલના નિયામક મંડળની ચૂંટણી રસાકસી ભરી બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. હાલ તો તંત્ર સુમેળ ભરી રીતે ચૂંટણી પ્રક્રિયામાં કેવી રીતે પૂર્ણ થાય તેના આયોજનમાં જોતરાઈ ગઇ છે.