આણંદઃ વડાપ્રધાન દ્વારા આત્મનિર્ભર ભારત પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત GCMMFના MD ડો. આર એસ સોઢી દ્વારા ગુરૂવારે આત્મનિર્ભર ભારત પ્રોજેક્ટમાં અમૂલ તરફથી મોટી જાહેરાત કરવામાં આવી છે. અમુલ દ્વારા મહત્વનો નિર્ણય લઇને બનાસ ડેરી સંઘ સાથે મળીને ગુજરાત તેમજ રાજસ્થાન માટે જન્મય નામના ખાદ્ય તેલનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
અમુલ દૂધ ઉત્પાદન સહકારી સંઘ પૈકીની એક બનાસડેરી દૂધ ઉત્પાદન સહકારી સંઘ દ્વારા અતિઆધુનિક ઓઇલ પ્રોડકશન પ્લાન્ટમાં અમૂલ દ્વારા ખાદ્ય તેલનું ઉત્પાદન કરવામાં આવશે. આ અંગે માહિતી આપતા GCMMFના મેનેજીંગ ડિરેક્ટર ડો. આર એસ સોઢીએ જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિ જોતા દેશમાં પોતાની જરૂરીયાતના 65 ટકા જેટલું ખાદ્યતેલ વિદેશથી આયાત કરવામાં આવી રહ્યું છે, ત્યારે થોડા સમય પૂર્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારત પ્રોજેક્ટ માટે દેશને આહવાન કરવામાં આવ્યું હતું, જેને લઇ અમુલ દ્વારા મહત્વનો નિર્ણય લઇ બનાસકાંઠા ડેરી સંઘની સાથે મળી ગુજરાત તેમજ રાજસ્થાન માટે જન્મય નામના તેલનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
દેશને અંદાજિત 75,000 કરોડનું વાર્ષિક ખાદ્યતેલ વિદેશથી આયાત કરવું પડે છે, ત્યારે અમુલ દ્વારા દેશને ખાદ્યતેલ ભારતમાંથી જ પૂરું પડી રહે તે માટે તેમજ 36 લાખ જેટલા પશુપાલકોને રોજગારીમાં વધારો મળી રહે તે માટે આ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
જન્મય હાલ પાંચ પ્રકારના તેલ બજારમાં મૂકી રહ્યું છે, જેમાં મગફળી, કપાસ, સનફ્લાવર, રાયડા તેમજ સોયાબીન ઓઇલનું ઉત્પાદન કરશે, આ તેલ એક લિટર પાઉચ, પાંચ લીટરનો ઝાર તેમજ 15 કિલોના પેકીંગમાં ઉપલબ્ધ કરવામાં આવશે. આ પ્રમાણે ગુજરાત અને રાજસ્થાન માટે ગુરૂવારે GCMMF ના MD ડો. આર એસ સોઢી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને આ તેલ ઉત્પાદન માટે નવો તેમજ અત્યાધુનિક પ્લાન્ટ ઉત્તર ગુજરાતમાં આવેલા પાલનપુરમાં બનાવવામાં આવ્યો છે.