આણંદ ગત માસમાં ગૂજરાત વિધાનસભા ચૂંટણીઓ પૂર્ણ થઈ છે અને ભાજપની નવી સરકાર પણ બની ગઇ છે. ત્યારે હવે વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે ગુજરાત પ્રદેશ કોગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જે બાદ ગૂજરાતના રાજકારણમાં ચર્ચાઓએ વેગ પકડ્યો છે. સાથે સાથે વિપક્ષ નેતાનું નામ જાહેર થતાં જ અમીત ચાવડાના શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.
અમિત ચાવડાનો પરિચય આ માહિતી પર નજર કરીએ તો તેમનો જન્મ 24 એપ્રિલ 1974માં ગુજરાતના આણંદ જિલ્લામાં આંકલાવમાં થયો હતો. તેમનુ આખું નામ અમિતભાઈ અજીતભાઈ ચાવડા છે. તેમણે વર્ષ 1995માં ટેક્નિકલ એક્ઝામિનેશન બોર્ડ, ગાંધીનગરથી કેમિકલ એન્જીનિયરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકી ભાઇઓ થાય છે. માધવસિંહ સોલંકી સાથે ઘરેલુ સંબંધ છે. એ રીતે અમિત ચાવડા ભરતસિંહ સોલંકીના પિતરાઈ ભાઈ પણ થાય છે. આમ અમિત ચાવડા શરૂઆતથી જ રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે.
આ પણ વાંચો યુનિફોર્મ સિવિલ કોડની સરકારની જાહેરાતને લઈ અમિત ચાવડાનું નિવેદન, કોંગ્રેસની પરિવર્તન યાત્રા શરુ
અમિત ચાવડા રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓ અમિત ચાવડા તેમના જીવનના શરૂઆતના દિવસોથી જ રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. તેઓ NSUI અને બાદમાં ભારતીય યુવા કોંગ્રેસમાં સક્રિય હતા. 47 વર્ષના અમિત ચાવડા વિશે વિગતે વાત કરીએ તો તેઓ આણંદના આંકલાવના ધારાસભ્ય છે. આણંદ અને આંકલાવમાં સેવાભાવી સંસ્થાઓ, એ.પી.એમ.સી, નાગરિક બેન્ક, અનેક વિવિધ કેળવણી મંડળમાં ટ્રસ્ટી, ચેરમેન તરીકે પોતાની સેવા આપી રહ્યા છે.
પાંચ ટર્મથી તેઓ સતત ચૂંટાતા આવે છે ઉલ્લેખનીય છે કે છેલ્લી પાંચ ટર્મથી તેઓ સતત ચૂંટાતા આવે છે. 2004માં પ્રથમ વખત તેઓ બોરસદથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા.2012ની વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી વિધાનસભામાં તેમને ઉપદંડક વિરોધપક્ષનો નવો કારભાર મળ્યો હતો. અમિત ચાવડા રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના દાદા ઈશ્વર ચાવડા એક સમયે સાંસદ પણ રહ્યા હતાં. જ્યારે ઈશ્વરભાઈ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના સસરા હતાં. 19 માર્ચ 2018માં ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામુ આપ્યા બાદ તેમને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા હતાં.
રાજકીય સીમાચિહ્નો અમિત ચાવડાએ તેમના પ્રમુખ પદ દરમિયાન ગુજરાત સરકારની કોવિડની નિષ્ફળતાઓ અને મૃત્યુના આંકડા છુપાવવાની વાત પ્રદેશ કોંગ્રેસના અભિયાનથી સાબિત કરી હતી. તેમણે દરેક મૃતકના પરિવારને અપેડમિક એક્ટ મુજબ રૂ 4 લાખ ચૂકવવા ઉગ્ર રજૂઆત કરી હતી. જેના ફળસ્વરૂપ ગુજરાતના કોરોના મૃતકોના પરિવારજનોને 50,000 વળતર ચૂકવવા ફરજ પડી હતી. ગુજરાતમાં ઓબીસી સમાજને થતા અન્યાય સામે મજબૂતાઈથી વારંવાર અવાજ ઉઠાવતા રહ્યા છે.
કાર્યકરોનો ઉત્સાહ અમિત ચાવડાનું નામ ગુજરાત વિરોધ પક્ષના નેતા તરીકે જાહેર થતા કોંગ્રેસના કાર્યકરોમાં એક નવો જ જોમ જુસ્સો દેખાઈ રહ્યો છે. આજે રાજીવ ગાંધી ભવન ખાતે તેમને અભિનંદન આપવા આગેવાનો અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતાં. ત્યારે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવા બદલ કોંગ્રેસ પક્ષના સૌ વરિષ્ઠ આગેવાનોનો હું આભારી છું. આવનારા દિવસોમાં વિધાનસભાથી લઈને જન જન સુધી પ્રબળ વિપક્ષની ભૂમિકા નિભાવીશું તેવી આશા પણ વ્યકત કરી હતી.