પેટલાદઃ કોરોના સંક્રમણ અને દિવસેને દિવસે કોરોનાના વધતા કેસ સામે લોકોમાં જાગૃતિ આવે અને લોકો સરકારની માર્ગદર્શિકાનું સચોટપણે પાલન કરે તે માટે તંત્ર દ્વારા પણ અનેક અભિયાન અને ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યા છે.
આણંદની પેટલાદ નગરપાલિકા દ્વારા કોરોના વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે. પાલિકા દ્વારા ઠેર-ઠેર શોલે તથા મિસ્ટર ઇન્ડિયા ફિલ્મના હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યાં છે. જેમાં માસ્ક પહેરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું સહિત કોરોના સામે જનજાગૃતિરૂપી ફિલ્મના ડાયલોગનો ઉલ્લેખ કરાયો છે.
શહેરમાં જુદાં-જુદાં વિસ્તારોમાં હોર્ડિંગ્સ પર બોલીવુડના સૌથી મોટા વિલન મુગેમ્બો અને ગબ્બરસિંગના ફોટા મૂકીને લોકોને માસ્કનો ઉપયોગ કરવા માટે જાગૃત બનાવવા ખાસ સંદેશ અપાઈ રહ્યાં છે.
આ ફિલ્મોનો ખૂબ મોટો ચાહક વર્ગ સમાજમાં છે, ત્યારે આ વિખ્યાત વિલનના પ્રખ્યાત ડાયલોગનો ઉપયોગ કરી નાગરિકોમાં જાગૃતતા લાવવાનો આ ફિલ્મી પ્રયત્ન નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. તે શહેર તથા શહેરના મુલાકાતીઓ માટે આકર્ષણ સાથે જાગૃતિ લાવતું સાબિત થઈ રહ્યું છે.