- આણંદમાં લૉકડાઉનમાં ઘણા લોકોના જીવ બચાવનાર ડોક્ટરનું નિધન
- 84 વર્ષના ડોક્ટર જે. કે. શાહનું કોરોનાના કારણે ખંભાતમાં થયું નિધન
- જરૂરિયાતમંદોને 55 વર્ષથી તબીબી ક્ષેત્રે સેવા આપતા હતા
આણંદઃ ખંભાતમાં તબીબી ક્ષેત્રે ખ્યાતનામ અને ગરીબોના મસીહા તરીકે ઓળખાતા ડોક્ટર જે. કે. શાહનું 84 વર્ષની વયે કોરોનાના કારણે નિધન થયું છે. તેઓ છેલ્લા 55 વર્ષથી તબીબી ક્ષેત્રે સેવા આપી રહ્યા હતા. તેમના નિધનથી ખંભાતના લોકોને મોટી ખોટ પડી છે. ગરીબ અને જરૂરિયાતમંદોની તેઓ નિઃશુલ્ક સેવા કરતા હતા. આ ઉપરાંત તેઓ રોટરેક્ટ અને લાયન્સ જેવી સામાજિક સંસ્થાઓ સાથે પણ તેઓ ઘરોબો સંબંધ ધરાવતા હતા. કોરોનાની મહામારીમાં પણ તેઓએ ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવી અનેક લોકોને મોતના મુખમાંથી બચાવ્યા હતા. આજે 84 વર્ષની વયે તેઓને કોરોનાએ હરાવતા ખંભાતના તબીબી ક્ષેત્રમાં એક ઉમદા ડોક્ટરની ખોટ સાંપડી છે.
લૉકડાઉનમાં પણ ડોક્ટર જે. કે. શાહની મહત્ત્વની ભૂમિકા
લૉકડાઉન દરમિયાન કડિયાપોળ વિસ્તારમાં રાજભા દરબાર દ્વારા જીવન જરૂરિયાતની વિવિધ ચીજવસ્તુઓ લોકોને સરળતાથી અને નજીવા ભાવે પ્રાપ્ત થાય તે રીતે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. આ દરમિયાન 84 વર્ષની ઉંમરે એક યુવાનને શરમાવે તે રીતે ડોક્ટર જે. કે. શાહ લૉકડાઉનમાં ખડેપગે ઊભા રહી લોકોને ચીજ વસ્તુઓ પૂરી પાડી હતી. દરેક વસ્તુઓ છાપેલી કિંમતથી અનેક ઘણા ઓછા ભાવો લઈ લોકો સુધી આ ટીમે પહોંચાડી હતી. આજે પણ ખંભાત શહેરના શહેરીજનો તેમની આવી સેવાઓનું સ્મરણ કરી રહ્યા છે અને દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.